સુરેન્દ્રનગર, 25 માર્ચ 2026: Truck hits bike on highway near Sayla અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા નજીક વખતપર ગામના પાટિયા પાસે સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ, જ્યારે એક મહિલા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ-અમદાવાદ નેશલ હાઈવે પર સાયલા નજીક વખતપરના પાટિયા પાસેથી બાઈકને ટ્રકે અડફેટે લેતા બાઈકચાલક સહિત રોડ પર પટકાયા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતમાં ઘાયલ થયેલા એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક 108 મારફતે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક સારવાર બાદ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માતના બનાવની જાણ થતા જ સાયલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


