1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રણમાં અગરિયાના બાળકોને શિક્ષણ માટે સ્કૂલબસ શાળામાં હવે બાળમિત્રો ભણાવશે
રણમાં અગરિયાના બાળકોને શિક્ષણ માટે સ્કૂલબસ શાળામાં હવે બાળમિત્રો ભણાવશે

રણમાં અગરિયાના બાળકોને શિક્ષણ માટે સ્કૂલબસ શાળામાં હવે બાળમિત્રો ભણાવશે

0
Social Share

સુરેન્દ્રનગર 8 જાન્યુઆરી 2026:  કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાના બાળકો માટે સ્કૂલબસ શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સ્કૂલબસમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી શિક્ષકો દ્વારા ગરિયાના બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું પણ હવે સરકારી શિક્ષકોના બદલે ‘બાળમિત્રો‘ અગરિયા બાળકોને શિક્ષણ આપશે. આ નિર્ણય અંતર્ગત કુલ 19 રણ બસશાળામાં 38 ગ્રેજ્યુએટ ‘બાલમિત્રો’ની રૂ. 7,000ના માસિક ફિક્સ પગારે નિમણૂક કરવામાં આવશે. હાલમાં ખારાઘોડા રણમાં 12 અને ઝિંઝુવાડા રણમાં 7 રણ બસશાળા કાર્યરત છે, જેમાં કુલ 426 અગરિયા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

કચ્છના નાના રણ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝિંઝૂવાડાના રણ વિસ્તારમાં કાર કરતા અગરિયાના બાળકોને સરકારી શિક્ષકો વારાફરતી રણમાં જઈ ભણાવતા હતા. જોકે, આ વ્યવસ્થાને કારણે તેમની મૂળ શાળાઓમાં શિક્ષકોની ઘટ ઊભી થતી હતી, જેની સીધી અસર શાળાના અન્ય બાળકોના અભ્યાસ પર પડતી હતી. સરકારી શિક્ષકો માટે રણમાં શિક્ષણ આપવું એક પડકારજનક કાર્ય હતું. રણમાં અલગ અલગ વિસ્તારોમાં મુકાયેલી બસશાળાઓ સુધી મોટરસાયકલ પર પહોંચવું મુશ્કેલ હતું. સતત ધૂળની ડમરીઓ ઉડવાને કારણે અકસ્માતનો ભય રહેતો હતો. ઉપરાંત, શિક્ષકો વારા પ્રમાણે બદલાતા હોવાથી શિક્ષકો અને બાળકો વચ્ચે સુમેળ સાધવામાં પણ મુશ્કેલી પડતી હતી.

આ સમસ્યાઓના નિરાકરણ માટે બીઆરસી શિવુભા ચાવડા, વિરમભાઇ ગોયલ અને મહેશભાઈ પટેલ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકી અને ડીપીઓ ભદ્રસિંહ વાઘેલા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સચિવ શિલ્પાબેન પટેલ અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીતકુમાર સુધી પહોંચતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં કચ્છના નાના રણની કુલ 19 રણ બસશાળામાં 426 અગરિયા બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે 38 ગ્રેજ્યુએટ ‘બાલમિત્રો’ની રૂ. 7,000ના માસિક ફિક્સ પગારે નિમણૂક કરવામાં આવશે, જે શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code