
પાકિસ્તાનમાં પાણી મુદ્દે શરૂ થયું ગૃહયુદ્ધ, સિંધ પ્રાંતના ગૃહમંત્રીના નિવાસ સ્થાન ઉપર ટોળાએ કર્યો હુમલો
નવી દિલ્હીઃ ફરી એકવાર પાકિસ્તાનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આરે છે. દેશમાં પાણીને લઈને હોબાળો મચી રહ્યો છે. સિંધ અને પંજાબ વચ્ચે પાણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો એટલો વધી ગયો કે લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. સિંધ પ્રાંતના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરના ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો છે. આ દરમિયાન વિરોધીઓએ ઘરને પણ આગ ચાંપી દીધી હતી.
પંજાબ અને સિંધ વચ્ચે પાણી વિતરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દા પર હિંસા ફાટી નીકળી હતી. બેકાબૂ ભીડે ગૃહમંત્રીના ઘરને નિશાન બનાવ્યું હતું. ગૃહમંત્રીના ઘર પર હુમલો કરનારા વિરોધીઓ બંદૂકો લઈને આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. ગરમી વધવાની સાથે પાણીની સમસ્યા પણ વધી છે. પાણી અંગે ચાલી રહેલો વિવાદ હવે ઘણો વધી ગયો છે.
મીડિયા અહેવાલ મુજબ, નૌશહરો ફિરોઝ જિલ્લાના મોરો તાલુકામાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. ઓછામાં ઓછા બે વિરોધીઓ માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા હતા. આ વિરોધ છ નહેરો અને કોર્પોરેટ ફાર્મિંગ પ્રોજેક્ટ્સ સામે બોલાવવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ધરણા કરતા રોકવા માટે બળપ્રયોગ કર્યો હતો.
ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરના ઘરમાં તોડફોડ કરી, રૂમ અને ફર્નિચર સળગાવી દીધું હતું. જ્યારે ગૃહમંત્રીના અંગત રક્ષકો પહોંચ્યા, ત્યારે વિરોધીઓએ તેમને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને રક્ષકોએ હવામાં ગોળીબાર શરૂ કરી દીધો હતો.