અમદાવાદ, 27 જાન્યુઆરી 2026: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાંયા વાતાવરણ સર્જાયુ છે. અને ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. તાવ, શરદી, ઉધરસના ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. અને ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી છાંટા જોવા મળ્યા છે. તેમજ સુરત સહિત વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસને લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મજબૂત બનતા લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે. જેને કારણે આજે આખો દિવસ આકાશ વાદળછાયું રહ્યુ હતુ. બપોર સુધીમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હરિયાણાથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. 9.4 ડીગ્રી સાથે નલીયા સૌથી વધુ ઠંડુ રહેવા પામ્યું હતું.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ છે. હાલ તાપમાનમાં થોડો વધારો દેખાતો હોય, પણ જાન્યુઆરીના અંતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ, લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હરિયાણાથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ ફરી ઠંડીમાં વધારો થશે. આ ઉપરાંત, ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા નકારી શકાતી નથી. બીજી બાજુ ઉત્તર ભારતથી લઈને પહાડી વિસ્તારો અને દક્ષિણના રાજ્યો સુધી હવામાને અચાનક કરવટ બદલી છે. લાંબા સમયના શુષ્ક વાતાવરણ બાદ વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, ત્યારે હવે ગાઢ ધુમ્મસ, શીતલહેર અને તેજ પવનની ચેતવણીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.


