બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અંબાજીથી જનજાતિય ગૌરવ યાત્રાનો CMએ કરાવ્યો શુભારંભ
- ગૌરવ યાત્રા સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા,
- અંબાજી ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ પર આ ભવ્ય કાર્યક્રમ યોજાયો,
- CMને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં આદિવાસી આગેવાનોની અટકાયત
અંબાજીઃ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી અને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી મહત્ત્વપૂર્ણ ‘જનજાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, “જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે છે.” તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં જ સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની નવતર પરંપરા શરૂ થઈ છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને વડાપ્રધાનએ અમૃતકાળના ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે. મુખ્યમંત્રીએ વનબંધુ કલ્યાણ યોજનાને 1 લાખ કરોડના પ્રાવધાન સાથે 2025 સુધી લંબાવવાની વાત કરી હતી. તેમણે PM જનમન અભિયાનમાં આદિમ જૂથોને આવાસ અને મોબાઇલ નેટવર્ક મળ્યાનો ઉલ્લેખ કર્યો અને વિકસિત ભારત @ 2047ના લક્ષ્યમાં આદિવાસીઓના ઉત્થાન અને યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે વોકલ ફોર લોકલ દ્વારા આદિવાસી હસ્તકલા અને ખાન-પાનને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત રહ્યા છે, જેમણે ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખ જાળવી રાખવા માટે પ્રયત્નો કર્યા હતા, તેમજ સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે જનજાગૃતિ ફેલાવી શિક્ષણ અને વ્યસનમુક્તિને મહત્ત્વ આપ્યું હતું. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પૂનમચંદ બરંડાએ બિરસા મુંડાના જીવનને સંઘર્ષ, સેવા અને સમર્પણનું ગણાવ્યું અને રાજ્ય સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકો વધારવા સતત પ્રયાસરત હોવાનું જણાવ્યું હતું.
યાત્રાના પ્રારંભ અવસરે રાજ્ય મંત્રીઓ પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, કમલેશભાઈ પટેલ, રમેશભાઈ કટારા, રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જનજાતિય ગૌરવ યાત્રાનું વિશેષ આયોજન 7થી 13 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. બે રૂટ પર યોજનાર આ યાત્રા કુલ 1,378 કિ.મી.નું અંતર કાપશે: રૂટ નં-1 ઉમરગામથી એકતાનગર (665 કિમી) અને રૂટ નં-2 અંબાજીથી એકતાનગર (713 કિમી). આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો અને આદિજાતિ ગામોના સર્વાંગી વિકાસનો વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવા લોકોને જોડવાનો છે.
અંબાજીમાં આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે તે પહેલા આદિવાસી સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે. આદિવાસી યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના હતા. બીજી તરફ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના ઘરે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જોકે, કાંતિ ખરાડી વહેલી સવારથી ઘરે નથી.


