1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તટરક્ષક દળ અને ભારતીય સેના આપણું ગૌરવ, પ્રતિષ્ઠા અને સન્માન છે : રાજ્યપાલ
તટરક્ષક દળ અને ભારતીય સેના આપણું ગૌરવ, પ્રતિષ્ઠા અને સન્માન છે : રાજ્યપાલ

તટરક્ષક દળ અને ભારતીય સેના આપણું ગૌરવ, પ્રતિષ્ઠા અને સન્માન છે : રાજ્યપાલ

0
Social Share
  • ગાંધીનગરમાં તટરક્ષક દળના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા49મા સ્થાપના દિવસની ઉજવણી
  • તટરક્ષક દળની પરંપરા પ્રમાણે સનસેટ સેરેમની યોજાઈ
  • કેક કટિંગ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ ભારતીય તટરક્ષક દળના 49 મા સ્થાપના દિવસે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ તટરક્ષક દળના અધિકારીઓ-કર્મચારીઓ અને પરિવારજનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે, તટરક્ષક દળ અને ભારતની ત્રણેય સેનાઓ આપણું ગૌરવ છે, દેશની પ્રતિષ્ઠા છે અને રાષ્ટ્રનું સન્માન છે. ત્રણેય સેના અને ભારતીય તટરક્ષક રાષ્ટ્રની સરહદે સુરક્ષા માટે સજાગ છે એટલે જ આપણે ભારતીયો સુખ-ચૈનની નિંદ્રા માણી શકીએ છીએ. ભારતનો ચતુર્દિશામાં વિકાસ થઈ રહ્યો છે.

ગાંધીનગરમાં ભારતીય તટરક્ષકના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા તટરક્ષક દળના સ્થાપના દિવસ નિમિત્તે સ્વાગત સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું. તટરક્ષક દળની પરંપરા પ્રમાણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ભારતીય વાયુસેનાના દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાનના એર ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એરમાર્શલ નર્મદેશ્વર તિવારી અને તટરક્ષક દળના મહાનિરીક્ષક શ્રી ટેકુર શશી કુમારની ઉપસ્થિતિમાં કોસ્ટગાર્ડના જવાનોએ કેક કટીંગ અને સૂર્યાસ્ત સેરેમની યોજી હતી. આ અવસરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

ભારતીય કોસ્ટગાર્ડનો મૂળ મંત્ર છે, ‘વયમ્ રક્ષામ:’. આ મંત્રનો ઉલ્લેખ કરીને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતીય તટરક્ષક અહર્નીશ દેશની રક્ષા માટે તત્પર રહે છે. પોતાના પ્રાણની પણ પર વા કર્યા વિના કોસ્ટગાર્ડ રાષ્ટ્ર માટે બલિદાન અને સમર્પણ ભાવથી સેવા માટે સદાય તત્પર રહે છે.

રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ સંસાર પરિવર્તનશીલ છે. જે આવ્યા છે તેમણે જવાનું જ છે, પરંતુ જન્મ અને મૃત્યુના સમય વચ્ચે જે લોકો દેશ માટે, સમાજ માટે, લોકોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરે છે તે સન્માનને પાત્ર બને છે, લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે.  ભારતીય તટરક્ષક રાષ્ટ્રભાવના સાથે જીવે છે અને સમર્પણભાવથી દેશની સેવામાં અવિરત કાર્યરત છે, આવા લોકો હંમેશા સન્માનને પાત્ર છે. લોકો તેમના પ્રત્યે ગર્વ અનુભવે છે.

રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, દેશની સીમાની સુરક્ષામાં વધારો કરવાના હેતુથી 48 વર્ષ પહેલાં તટરક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત દેશનો સૌથી મોટો સમુદ્ર કિનારો અને સમુદ્રી સીમા ધરાવે છે. વિશ્વના દેશોમાંથી તેલની આયાત પણ અહીંથી થાય છે. ત્યારે તટરક્ષક દળ સમુદ્રી સીમાઓની સુરક્ષામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આંતરિક અને બાહ્ય આપત્તિઓ સમયે, દરિયાઈ પર્યાવરણના રક્ષણમાં માછીમારોને બચાવવામાં, કુદરતી આપત્તિ સમયે લોકોને બચાવવામાં તથા ગેરકાનૂની રીતે આવતા વિદેશીઓને પકડવામાં તટરક્ષક અગત્યનો ભાગ ભજવે છે. તટરક્ષક દળ વિદેશમાંથી આવતા ડ્રગ્સને પકડીને યુવા પેઢીને બચાવવાનું કાર્ય કરે છે. આ પ્રસંગે ભારતીય સેનાના અધિકારીઓ, તટરક્ષક દળના અધિકારીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code