
• અમદાવાદ સહિત શહેરોમાં સરકારી અને ખાનગી દવાખાનામાં લાગતી લાઈનો
• મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો
• રાજકોટમાં ટાઈફોડના કેસ પણ નોંધાયા
રાજકોટઃ ગુજરાતમાં ઠંડીને લીધે અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નાના-મોટા શહેરો તેમજ ગામડાંઓમાં પણ ઉધરસ-ખાંસીના અમને વાયરલના કેસમાં વધારો થયો છે. અમદાવાદ અને રાજકોટમાં તો સરકારી અને ખાનગી દવાખાનાંઓમાં સવારથી દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંજી સાથે ભેજનું પ્રમાણ વધતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. એટલે મચ્છરજન્ય રોગચાળો તમામ શહેરોમાં વકરી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં શરદી-ઉધરસ-ખાંસી તેમજ તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ પૂર્વના વિસ્તારોમાં તાવ અને વાયરલ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મ્યુનિ. દ્વારા મચ્છરોના નાશ માટે દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ટાઢાબોળ પવનોને લીધે શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે. લોકોને ઠંડીથી બચવા વધુ સાવચેત રહેવા મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા અપિલ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં સતત વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી- ઉધરસનાં કેસમાં વધારો યથાવત્ છે. ત્યારે મ્યુનિના ચોપડે મચ્છરજન્ય રોગ શૂન્ય પરંતુ જોખમી ટાઇફોઇડ તાવનાં વધુ બે કેસ નોંધાયા છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના રોગને નિયંત્રિત કરવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શરદી-ઉધરસના 943, સામાન્ય તાવના 727 અને ઝાડા ઊલટીના 163 કેસ નોંધાતા લોકોને પણ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે છેલ્લા એક અઠવાડિયામાં 33,698 ઘરમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ફિલ્ડવર્કરો દ્વારા 753 ઘરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન શોધવા માટે બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત 569 સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાકમાં 267 અને કોમર્સિયલ 137 મળી કુલ 404 આસામીને નોટિસ ફટકારાઈ છે.