સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ-7 ભરી મતદારોના નામો રદ કરાવાના પ્રયાસો સામે કોંગ્રેસનો ચક્કાજામ
સુરેન્દ્રનગર,13 ફેબ્રુઆરી 2026: જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફોર્મ-7 ભરીને ચોક્કસ વર્ગના અને કોંગ્રસના સમર્પિત ગણાતા મતદારોના નામ રદ કરી દેતા આ અંગે કોંગ્રસના પુરાવા સાથેના આક્ષેપ બાદ કોઈ પગલાં ન લેવાતા કોંગ્રસ દ્વારા ‘સર’ કાર્યક્રમ’ના વિરોધમાં હાઈવે ચક્કાજામ કર્યો હતું. દસાડાના જૈનાબાદ ચાર રસ્તા સહિત જિલ્લાના દરેક તાલુકા મથકોએ રસ્તા રોકો આંદોલન કરાયુ હતું. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ હાઈવે પર ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જૈનાબાદ હાઈવે પર લગભગ બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન, દસાડા પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરોને ડિટેન કર્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે ‘સર કાર્યક્રમ’ અંતર્ગત ફોર્મ નંબર 7માં મોટા પાયે ખોટા નામો કમી કરવામાં આવ્યા છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે આ ચક્કાજામ કરવામાં આવ્યું હતું. દસાડા તાલુકાના દસાડા, જૈનાબાદ અને બજાણા ગામોમાં 7,000 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 24,000 નામો કમી કરાયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. ચક્કાજામ કરાયેલા મુખ્ય માર્ગોમાં નવિયાણી-દસાડા હાઈવે, જૈનાબાદ ચોકડી અને અમદાવાદ-માલવણ-ધ્રાંગધ્રા હાઈવેનો સમાવેશ થાય છે.


