
- નિકોલમાં ગટરના પાણી સરોવરની જેમ રોડ પર ભરાયા છે
- સ્થાનિક લોકોની રજુઆતો છતાંયે કોઈ પગલાં લેવાયા નથી
- પૂર્વની મ્યુનિ.કચેરીએ કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ જોડાયા
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરની સમસ્યા માથાના દુખાવારૂપ બની છે. ગટરના પાણી રોડ પર ભરાયા છે. તેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે સ્થાનિક રહિશો દ્વારા ભાજપના કોર્પોરેટર, ધારાસભ્ય તેમજ મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત કરવા છતાયે કોઈ ઉકેલ ન આવતા કોંગ્રેસ દ્વારા મ્યુનિની પૂર્વઝોનની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. જેમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયા હતા.
આ અંગે મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, નિકોલના રહીશો છેલ્લા લાંબા સમયથી ઉભરાતી ગટરોથી પરેશાન છે.વારંવાર રજૂઆતો કરવા છતાં પણ મ્યુનિના તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ગોપાલ ચોક અને આસપાસના વિસ્તારની સોસાયટીઓમાં પણ ગટરના પાણી ઉભરાવા લાગ્યા છે. જો સત્વરે આ પ્રશ્નનો નિકાલ નહી આવે તો કોંગ્રેસ નાગરીકો સાથે રસ્તા પર આવીને આંદોલન કરશે. નાગરીકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો કે, 10 દિવસથી અમે ગટરના પાણી વચ્ચે રહીએ છીએ, તમે એક દિવસ તો અમારી સોસાયટીમાં આવીને જુઓ.આગામી દિવસોમાં આ વિસ્તારના રસ્તા બ્લોક કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ ઉપરાંત મ્યુનિના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિકોલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં મોટું ભંગાણ થયું હોવાથી કામ કરવામાં થોડો વિલંબ થશે. હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી સત્વરે આ સમસ્યાનો અંત આવશે. બીજી તરફ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ પ્રયત્નો કરાઇ રહ્યા છે.