 
                                    અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ભારે વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જળાશયોમાં નવા પાણીની આવકને પગલે ખેડુતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 જેટલા જળાશયો છલકાયાં છે. દરમિયાન સરકાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 61 જેટલા પાણીનો સંગ્રહ થયો છે. હજુ વરસાદ સતત વરસી રહ્યો છે જેથી હજુ પણ નવા પાણીની આવક થવાની શકયતા છે.
ગુજરાતમાં વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25થી નીચું છે. હાલ ગુજરાતના 48 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઈએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના 60.72 ટકા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

