
તાલિબાનના વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પ્રવેશ ન અપાતા વિવાદ સર્જાયો
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું છે કે, તાલિબાનના વિદેશ મંત્રી આમીર ખાન મત્તકીની ભારત યાત્રા દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પ્રવેશ ન આપવા અંગેનો નિર્ણય અત્યંત અપ્રતિષ્થાજનક છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી માંગ કરી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલા પત્રકારોને હાજરીની મંજૂરી આપવામાં ન આવતાં રાજકીય હંગામો સર્જાયો હતો. વિરોધ પક્ષોએ સવાલ ઉઠાવ્યો કે સરકારએ આવી પરિસ્થિતિમાં આ પ્રકારના કાર્યક્રમને મંજૂરી કેવી રીતે આપી? હવે વિરોધ પક્ષો સરકારે આ બાબતે સ્પષ્ટ જવાબ આપવા માગ કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ શનિવારે સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, “વડાપ્રધાનજી, કૃપા કરીને સ્પષ્ટ કરો કે તાલિબાનના પ્રતિનિધિની ભારત મુલાકાત દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બહાર રાખવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?” તેમણે મહિલાઓના અધિકારો અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “જો મહિલાઓના અધિકારો પ્રત્યે આપની માન્યતા માત્ર ચૂંટણીથી ચૂંટણી સુધીનો દેખાવ નથી, તો પછી આપણા દેશની કેટલીક સૌથી સક્ષમ મહિલાઓનો અપમાન આપણા જ દેશમાં કેવી રીતે થવા દેવામાં આવ્યો? મહિલાઓ તો દેશની રીડ અને ગૌરવ છે.” આમીર ખાન મત્તકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પ્રવેશ ન મળતાં આ મુદ્દે રાજકીય ચર્ચા ગરમાઈ ગઈ છે અને સરકાર પર મહિલાઓના સન્માન અને સમાન અધિકાર અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.