1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ટેકનિકથી મગરોની ગણતરીનો પ્રારંભ
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ટેકનિકથી મગરોની ગણતરીનો પ્રારંભ

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ટેકનિકથી મગરોની ગણતરીનો પ્રારંભ

0
Social Share

વડોદરા, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોના વસવાટને લઈ વિશ્વામિત્રી નદી દેશભરમાં જાણીતી બની છે, ત્યારે વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી અને વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓના વોલિન્ટિયર પણ જોડાયા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ગણતરી કરવામાં આવી ત્યારે 442 મગરો નોંધાયા હતા.

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગઈકાલથી મગરોની વસતી ઘણતરી કરવામાં આવી રહી છે. નદીના 25 કિમીના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. હાલના નદીના પટ વિસ્તારમાં ડાયરેક્ટ સાઇટિંગની મેથડ દ્વારા ગણતરી શરૂ કરવામાં આવી છે. જ્યારે રાત્રે ટોર્ચ મારીને મગરોની આંખો ચમકતી દેખાય તે રીતે ઓળખ કરીને ગણતરી કરવામાં આવી રહી છે. મગરોની વસતી ગણતરીમાં એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી અને વન વિભાગના કર્મચારીઓ તેમજ એનજીઓના કાર્યકરો જોડાયા છે.

 આ અંગે એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના પ્રો. ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું હતું કે, વર્ષ 2025 પછી આજે ફરી મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ ગણતરી માટે બે ટેકનિક અપનાવવામાં આવી રહી છે. જેમાં ડે ટાઈમ અને નાઈટ ટાઈમ કાઉન્ટ કરવામાં આવી રહ્યુ છે. રોજ બેથી અઢી કલાક ગણતરી કરવામાં આવશે. આ સમયની એટલા માટે પસંદગી કરવામાં આવી છે કે અત્યારે સુર્ય ઉગી ગયો છે અને ગરમી વધારે છે. મગરો સમાન્ય રીતે બાસ્કિંગ એટલે કે તાપ શેકવા માટે નદીમાંથી બહાર આવતા હોય છે.

તેમણે  વધુમાં કહ્યું કે, દિવસ કરતા રાત્રે મગરની ગણતરી ડબલ આવતી હોય છે. કારણ કે, રાત્રિના સમયે વિઝિબિલિટી લગભગ ઝીરો હોય છે, ત્યારે સ્પોર્ટ્સ લાઈટના માધ્યમથી આ ગણતરી કરવામાં આવશે. આ લાઇટ માથા પર લગાવી ચલાવવામાં આવે છે, ત્યારે મગરની આંખો ફાયર રેડ જેવી ચમકતી દેખાય છે. આવી રીતે કોઈ પ્રાણીની આંખો ચમકતી નથી. અમારા માટે મગરની સંખ્યા મહત્વની નથી પરંતુ લોકો માટે તે એક કુતુહલ હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષે વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરો નોંધવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ વચ્ચે 103 મગરો દેખાયા હતા. ત્યારબાદ અકોટા બ્રિજથી મુજમહુડા વચ્ચે 55 મગરો દેખાયા હતા. આ ઉપરાંત વડસરથી કલાલી વચ્ચે 48 મગરો જોવા મળ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code