
- જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કમોસમી વરસાદની આગાહી
- ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા
- દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો વધુ અનુભવાશે
અમદાવાદઃ ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ત્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે, તેથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે એવી શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હવામાનમાં બદલાવ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા છે. મધ્ય અફઘાનિસ્તાન અને નજીકના પાકિસ્તાનના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 0.9 કિલોમીટર ઉપર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમી પવનોનો એક પ્રવાહ રચાયો છે. આ તમામ પરિબળોને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેની અસર દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય ભાગોમાં પણ પડશે.
ગુજરાતમાં હાલ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફુકાઈ રહ્યા છે, જેથી તાપમાનમાં ઘટાડો આવ્યો છે. જો ફરી એક વખત પવનની દિશા બદલાય તો તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ આગામી પાંચ દિવસ દરમિયાન તેની શક્યતાઓ ઓછી રહેલી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજ યુક્ત હોવાને કારણે બફારાનો અનુભવ થશે. જેથી હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બફારા માટે ચેતવણી જાહેર કરી છે.