
- ભૂજ-રાજકોટ વચ્ચેનું ભાડું 100થી 125 હોવાથી પ્રવાસીઓને લાભ થશે
- એસટી બસમાં રૂ.200 અને વોલ્વોમાં રૂ.600 ટિકિટના દર હોવાથી વધુ પ્રવાસીઓ મળી રહેશે,
- ભુજથી રાજકોટ જવા સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 50 કલાકે ઉપડશે
ભૂજઃ કચ્છથી રાજકોટ જવા માટે સીધી ટ્રેનની સુવિધા ન હોવાથી પ્રવાસીઓને રોડ માર્ગે બસમાં પ્રવાસ કરવાની ફરજ પડતી હતી. વર્ષો પહેલા ભૂજ-રાજકોટ વચ્ચે લોકલ ટ્રેન દોડતી હતી, પણ 22 વર્ષ પહેલા બંધ કરાયેલી ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. ભુજ-રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન ટ્રેનનો પ્રારંભ કરાયો છે. અને ટ્રેનનું ભાડું સામાન્ય વર્ગને પરવડે તેવું રાખવામાં આવ્યું છે.જનરલ ક્લાસમાં રૂ.100, સેકન્ડ કલાસ સિટિંગમાં રૂ.125 અને એસી ચેરકારમાં રૂ.535 ભાડું રહેશે.જ્યારે હાલમાં આ રૂટમાં એસટીની સાદી બસમાં સિટિંગનું એવરેજ ભાડું 200 અને વોલ્વોમાં રૂ.600 છે. એટલે પ્રવાસીઓને લાભ થશે.
પશ્વિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ ભુજથી દરરોજ સવારે 6.50 કલાકે ઉપડશે અને બપોરે 13.35 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ રાજકોટથી દરરોજ બપોરે 14.30 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ભુજ પહોંચશે.માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, માળિયા, મિયાણા, દહિંસરા અને મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ ક્લાસના કોચ હશે.રેલવેના PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર બુકીંગ કરી શકાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, આ સ્પેશિયલ ટ્રેન હોવાથી પ્રારંભિક તબક્કામાં 30 જૂન સુધી રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સંચાલન કરવામાં આવશે.પ્રવાસીઓના ધસારાના આધારે તેનું સંચાલન થશે.એસટી બસમાં મુસાફરી દરમિયાન 6 કલાક જેટલો સમય થાય છે, અને ટ્રેનમાં પોણા 7 કલાક થાય છે. ઉનાળુ વેકેશન આવવાનું હોવાથી આ ટ્રેન મુસાફરોને ઉપયોગી બની રહેશે તેવી લાગણી વ્યકત થઈ રહી છે જોકે,અંજાર અને આદિપુર સ્ટેશને સ્ટોપ ન અપાતા નારાજગી પણ ફેલાઈ છે.હાલમાં ભુજથી રાજકોટના રૂટમાં 52 એસટી બસ દોડી રહી છે ત્યારે પ્રવાસીઓને હવે ટ્રેનનો પણ વિકલ્પ મળ્યો છે જેથી ખુશી ફેલાઈ છે.