અમદાવાદ,15 માર્ચ 2026: Demand for induction stoves and dung-coal increases due to shortage of LPG ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એસપીજી ગેસના સપ્લાય પર વિપરિત અસર પડી છે તેના લીધે ગુજરાત સહિત દેશભરમાં એલપીજી સિલિન્ડરો અછત સર્જાતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગેસ એજન્સીની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે ઈન્ડક્શન સગડી ( ઈલે. સગડી)ની માગ વધી રહી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં લોકો હવે રસોઈ બનાવવા માટે હવે છાણા, લાકડાં, અને કોલસાનો ઉપયોગ કરવા લાગ્યા છે. શહેરી વિસ્તારમાં પણ કેટરર્સ પણ કોલસાના સગડાથી રસોઈ બનાવવા લાગ્યા છે.
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં L.D. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે.રાજકોટમાં કોલસાથી ચાલતી સગડી લેવામાં 15 દિવસનું વેઇટિંગ થઈ ગયું છે. તો સુરતમાં પણ ઇન્ડક્શન લેવા 10 દિવસ રાહ જોવી પડશે.
અમદાવાદમાં પીજી ચલાવતા સંચાલકો પણ એલપીજી ગેસની અસરને લીધે મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે જે ગ્રાહકો પીએનજી લાઈનથી ગેસ મેળવે છે. એવા ગ્રાહકોને એલપીજી સિલિન્ડર ન આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત જે ગ્રાહકોની સોસાયટીમાં પીએનજી કનેક્શનો છે તેવી સોસાયટીમાં એલપીજી ધારકોને ત્વરિત પીએનજી કનેક્શન આપવાનું સરકાર વિચારી રહી છે.


