સુરેન્દ્રનગર, 8 એપ્રિલ 2026: Deputy Mamlatdar and Pattawala caught taking bribe જિલ્લાના લખતર તાલુકાના નાયબ મામલતદાર જયદિપસિંહ પરમાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાને 20,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે, આરોપીઓએ ખેતીની જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માગી હતી.
લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા સુરેન્દ્રનગર એસીબીએ (એન્ટી કરપ્શન બ્યૂરો) સફળ ટ્રેપ ગોઠવી હતી. જમીન પચાવવા કે અન્ય દસ્તાવેજી પ્રક્રિયાના ભાગરૂપે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગનાર નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસના ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ લાંચની માંગણી કરી હતી. જેમાં આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાએ ‘સર્કલ સાહેબ’ વતી પહેલા 50,000 માંગ્યા હતા, જે રકઝકના અંતે 30,000 નક્કી કરાયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફિલ્ડીંગ ગોઠવીને ફરિયાદીને કચેરીએ મોકલ્યા હતા.
એસીબીની ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદિપસિંહ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટ્ટાવાળા કનકસિંહને આપી દેવા સૂચના આપી હતી. પટ્ટાવાળાએ જેવી 20,000ની રકમ સ્વીકારી, કે તરત જ પૂર્વ આયોજિત છટકા મુજબ એસીબીની ટીમે બંનેને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે.
આ સફળ ઓપરેશન એસીબી પી.આઈ. એમ.ડી. પટેલ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.


