1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ ફીમાં કર્યો તોતિંગ વધારો
ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ ફીમાં કર્યો તોતિંગ વધારો

ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ ફીમાં કર્યો તોતિંગ વધારો

0
Social Share

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીના વિવિધ કોર્સમાં તેમજ જુદી જુદી સર્વિસ માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની ફી અલગ અલગ હતી એટલે કે છોકરીઓની ફી છોકરાઓ કરતા ઓછી હતી પરંતુ હવે બંને માટે એક સરખી ફી કરીને ફી વધારા સાથે નવી પાંચ હજાર રૂપિયા વાર્ષિક ફી કરવામાં આવી છે. જ્યારે બેચલર ઓફ એજ્યુકેશન(ઓપન એન્ડ ડિસ્ટન્સ)માં સંપૂર્ણ કોર્સની ફી 20 હજારથી વધારીને 35 હજાર અને બેચરલ ઓફ સ્પેશલ એજ્યુકેશનની ફી 30 હજારથી વધારીને 45 હજાર રૂપિયા કરવામાં આવતા વિરોધનો સૂર ઊઠ્યો છે. ફી વધારો પરત ખેંચવાની કોંગ્રેસે માગ કરી છે.

ડો.આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુજી-પીજી અને પીએચડી સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં એક્સટર્નલમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે ડો. આંબેડકર યુનિવર્સિટીની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા તમામ કોર્સમાં નવી ફી નક્કી કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. કોંગ્રેસના કહેવા મુજબ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને વિદ્યાર્થિનીઓ પર 317 ટકા જેટલો જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસનમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત હતી. પરંતુ ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે જંગી ફી વધારો કરાયો છે.

આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે આંબેડકર યુનિ.દ્વારા 73થી વધુ અભ્યાસક્રમો સાથે 500 જેટલા સ્ટડી સેન્ટરો ચલાવવામાં આવે છે. ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ.ના સત્તાધીશો દ્વારા બીએમાં છોકરાઓ માટે 178  ટકા અને છોકરીઓ માટે 317 ટકા જેટલો જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. બીએમાં અગાઉ છોકરાઓ માટે 1800 અને છોકરીઓ માટે 1200 વાર્ષિક ફી હતી જેમાં હવે સમાનપણે એક સરખી 5000 ફી કરવામાં આવી છે. એક બાજુ સગવડો અને સુવિધા તેમજ બ્યુટિફિકેશન માટે લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ થાય છે ત્યારે બીજી બાજુ સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે પૂર જંગી ફી વધારો કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code