વડોદરા, 19 માર્ચ 2026: Speeding car driver arrested for hitting 5 vehicles શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં પૂરફાટ ઝડપે કાર દોડાવીને કારચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા. શહેરના એમજી રોડ પર એક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. આરોપી ધ્રુવ પટેલે પોતાની કાર બેફામ રીતે હંકારી હતી અને 5 વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક્ટિવાચાલક મહિલા સહિત 3થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સિટી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગત મોડી રાત્રે શહેરના ન્યાય મંદિરથી પાણીગેટ સુધીના રોડ ઉપર એક કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવી હતી. જેને પગલે આ રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક કારચાલક કાર આડેધડ ચલાવી રહ્યો હતો. જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય વ્યાપી ગયો હતો. કારચાલકે 5 જેટલા વાહનોને અડફેટે લેતા કેટલાક લોકોએ કાર ચાલકને ઉભો રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક બેફામ રીતે કાર ચલાવીને નાસી ગયો હતો, આ ઘટના જોઈને આસપાસના લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઘટનાને પગલે સિટી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને પોલીસ દ્વારા વિસ્તારના CCTV ફૂટેજ તપાસીને કાળા કલરની કારના ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડોદરા સિટી પોલીસે CCTV અને વીડિયોના આધારે આરોપી ધ્રુવકુમાર હર્ષદભાઇ પટેલ (ઉ.વ.29, રહે: એ-82, ધ પેલેસ, પીઓનીર મેડિકલ કોલોની, આજવા-નીમેટા મેઇન રોડ, સયાજીપુરા, વડોદરા) ની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


