- ટ્રકમાં કેરબામાં ભરેલો ફેવિકોલ રોડ પર રેલમછેલ
- ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રકની કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બહાર કાઢ્યો
- અકસ્માતના સ્થળે લોકોના ટોળાં જામતા ટ્રાફિક જામ થયો
વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વરણામા પાસે સર્જાયો હતો. આજે વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 વરણામા પાસે ફેવિકોલના કેરબા ભરીને જઈ રહેલી ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ટ્રકની કેબીનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો ડ્રાઈવર મોહમ્મદ શેખ કેબિનમાં ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર વિભાગની મદદ લીધી હતી. ફાયરના જવાનોએ ટ્રકની કેબીન તોડીને ચાલકને બહાર કાઢ્યો હતો.
વડોદરા નજીક આવેલા વરણામાં ગામ પાસે બસ સ્ટેશન નજીક નેશનલ હાઇવે પર ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાયો હતો. ટ્રકચાલક મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ટ્રકમાં ફેવિકોલના બેરલ ભરીને જતો હતો ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ થયો હતો. ટ્રકમાં ભરેલ ફેવિકોલના બેરલ પણ નીચે પડતા ફેવિકોલની રેલમછેલ થઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર મોહમ્મદ શેખ ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરતા GIDC ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું હતું. આ ટ્રક ચાલકનું રેસ્કયૂ કરી સારવાર માટે ખસેડાયો હતો.
આ અકસ્માતને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થયા હતાં. સાથે આ અકસ્માતને લઈ સામાન્ય ટ્રાફિક સર્જાયો હતો. આ ઘટનાને લઇ તાત્કાલિક 112ને કોલ મળતા માંજલપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. હાલમાં પોલીસે આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.


