 
                                    - ATSના 60 અધિકારીઓનું સર્ચ ઓપરેશન
- ફેકટરીના સંચાલક સહિત 6 લોકોની ધરપકડ
- ઊંઘની દવા બનાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો
અમદાવાદઃ રાજ્યના ખંભાતમાં સોખડા નજીક એટીએસ સ્કવોર્ડના 60 જેટલા અધિકારીઓએ રેડ પાડીને ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડી પાડીને 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગનો ઉપયોગ થતો હતો. ડ્રગ્સની ફેકટરીમાંથી અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.100 કરોડથી વધુ થાય છે.
એટીએસના સૂત્રોના જમાવ્યા મુજબ ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફૅક્ટરીમાં એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ (એટીએસ)ની ટીમે ગઈકાલે ગુરુવાર સવારે દરોડા પાડ્યા હતા. સ્ક્વૉર્ડના 60થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 100 કરોડથી વધુનો નશાયુક્ત પાઉડર કબજે કર્યો હતો. એટીએસની ટીમ ફેક્ટરીના સંચાલક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી તમામને અમદાવાદ લવાયા છે. જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે ATS તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.
ગુજરાતનાં નાનાં શહેરો અને જિલ્લાઓનાં ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે, વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આણંદના ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. એટીએસએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.100 કરોડથી વધુ થાય છે. આ ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. જેથી 100 કરોડથી વધુનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સની ફેક્ટરી દેવદિવાળીએ જ શરૂ કરાઈ હતી, જેમાં ફૅક્ટરીના સંચાલક સહિત અન્ય લોકો અગાઉ ઇન્જેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ એ પછી તેઓએ કૅમિકલનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં તેઓ ઘેનયુક્ત પાઉડર બનાવતા હોવાની શંકા હતી. આ બાતમીના આધારે જ ટીમે દરોડો પાડ્યો હતો. કહેવાય છે કે, અમદાવાદના 2 ભાગીદારોએ ફાર્મા કંપની શરૂ કરી હતી. આ ફાર્મા કંપનીમાં ઇન્જેક્શન સહિત દવાઓ બનતી હતી. અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા ફેક્ટરીમાં બનતી હતી. ATS દ્વારા શંકાસ્પદ કેમિકલના 21 બેરલ જપ્ત કરાયાં છે. દહેજથી એન્જિનિયર બોલાવી ડ્રગ્સ બનાવાતું હોવાની શંકાના આધારે ATSએ ડ્રગ્સ બનાવતા એન્જિનિયરને પણ દબોચ્યો છે. ATSએ મોડી રાત્રે કંપનીને સીલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ વધુ પૂછપરછ માટે લઇ ગઇ છે. સમગ્ર મામલે ATS તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

