
- મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરોની કોન્ફરન્સ યોજાઈ
- અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી તરીકે લોકોના પ્રશ્નોનો નિકાલ કરાશે
- લોકોને સરકારની કલ્યાણ યોજનાઓનો લાભ સરળતાથી મળે તે જ ધ્યેય હોવો જોઇએ
ગાંધીનગરઃ આણંદમાં જિલ્લા કલેકટરોની કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ મહેસૂલ વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માનવબળને તાલીમબદ્ધ કરવા સાથે તેમના ક્ષમતા વર્ધન, નવા વિચારો, અન્ય જિલ્લાઓમાં થયેલા બેસ્ટ પ્રેક્ટિસિસ અને આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા જણાવ્યું હતું.
આણંદમાં એન.ડી.ડી.બી. ખાતે મહેસૂલ વિભાગ દ્વારા આણંદ જિલ્લા પ્રશાસનના સહયોગથી કલેકટર કોન્ફરન્સને સંબોધતા શ્રીમતી જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, સામાન્યમાં સામાન્ય માનવીને સરકારની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ સરળતાથી મળે તે જ આપણો ધ્યેય હોવો જોઇએ. આ અંગે સરકારી યોજનાઓના અસરકારક અને સુચારૂ અમલ માટે જિલ્લા ટીમને પ્રશાસક તરીકે કલેકટરો યોગ્ય માર્ગદર્શન આપે તે જરૂરી છે.
અધિક મુખ્ય સચિવએ જિલ્લા કલેકટરોને પોતાના જિલ્લાના અન્ય સહયોગી અધિકારીઓ સાથે સમયાંતરે બેઠકો યોજીને વિકાસકાર્યોની પ્રગતિ, જનસમસ્યાના નિરાકરણની સ્થિતી-ઝડપ અંગે સતત ફોલોઅપ રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
દરેક જિલ્લામાં ઉનાળાની ઋતુમાં હિટ વેવને અનુલક્ષીને લેવાના તકેદારીના પગલાં, ચોમાસા પૂર્વે કરવાની કામગીરી, પીવાના પાણી પરિસ્થિતિની સમીક્ષા કરી સુચારૂ વ્યવસ્થા કરવા તેમણે જિલ્લા કલેકટરોને સૂચના આપી હતી.
તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમગ્રતયા સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો યોગ્ય હકારાત્મક નિકાલ કરવા અનુરોધ કર્યો હતો.
આ કોન્ફરન્સમાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ આઈ.ઓ.આર., ઈ- ધરા, આઈ.આર.સી.એમ.એસ., આર.આઈ.સી., વિજિલન્સ કમિશનના બાકી પડતર કેસો, ખાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરી, સરકારી જમીનની બાકી ફાળવણી, આપત્તિ વ્યવસ્થાપન, સ્વામિત્વ યોજના તથા રિ -સર્વે વાંધા નિકાલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મહેસૂલ તપાસણી કમિશનર અને સચિવ રાજેશ માંજુ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન, સેટલમેન્ટ કમિશનર બિજલ શાહ, જમીન સુધારણા કમિશનર ભાવિન પંડ્યાએ મહેસૂલી કામગીરી અંગે કલેકટરોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સૌનો આવકાર કર્યો હતો. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના કલેકટરો ઉપસ્થિત રહ્યા હતા.