- વડોદરાનો વિદ્યાર્થી તેના મિત્રો સાથે મહિસાગર નદીમાં નહાવા માટે ગયો હતો,
- વિદ્યાર્થી કોમ્પ્યુટર સ્ટુડિયોમાં કામ હોવાનું કહીને ઘેરથી નિકળ્યો હતો,
- ઓફિસમાં કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકુ એવો તેના પરિવારને ફોન કર્યો હતો,
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા યુવાનોમાંથી એક યુવાન વિદ્યાર્થી ડૂબી જતા મોત નિપજ્યુ હતુ. વડોદરામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 21 વર્ષીય યુવક તેના મિત્રો સાથે નહાવા પડ્યો હતો. આ દરમિયાન ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. સાવલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા આરાધના ડુપ્લેક્સમાં રહેતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો દિવ્ય રાકેશભાઈ ગુપ્તા કોમ્પ્યુટર સ્ટુડિયોમાં જવું છું તેમ કહીને તેના ઘેરથી ગઈ તા. 4 નવેમ્બરના રોજ નીકળ્યો હતો, ત્યારબાદ તેને પોતાની મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે, ઓફિસમાં બહુ કામ હોવાથી તે રાત્રે ઘરે નહીં આવી શકે અને હું તથા મારા મિત્રો સ્ટુડિયોમાં જ રોકાઈ જઈશુ. 5 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ દિવ્યના પરિવારને જાણવા મળ્યું હતું કે, સાવલી તાલુકાના લાછનપુર ગામ નજીક મહીસાગર નદીમાં દિવ્ય ડૂબી ગયો છે, જેથી પરિવારજનો લાંછનપુરા ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સાવલી પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, ક્યાંય પતો લાગ્યો નહોતો. રાત્રે અંધારું થઈ ગયું હોવાથી ગઈકાલે તા. 6 નવેમ્બરના રોજ સવારે ફાયર બ્રિગેડ વડોદરાની મદદ લેવામાં આવી હતી અને તેઓએ મહિસાગર નદીમાંથી દિવ્ય ગુપ્તાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મૃતક યુવક દિવ્ય રાકેશભાઈ ગુપ્તા જરોદ ખાતે આવેલી ITM યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. સાથે-સાથે પાર્ટટાઈમ ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરતો હતો. મૃતક અપરણિત હતો અને મૃતકના પિતાને બે પુત્રો હતા. મૃતકનો નાનો ભાઈ 15 વર્ષનો છે ત્યારે ફરી એકવાર લાંછનપુરાની મહી નદી યમદૂત સાબિત થઇ છે.


