
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં ટ્રાફકને પહોંચી વળવા એક્સ્ટ્રા એસટી બસો દોડાવાશે
- તહેવારો દરમિયાન 6500 એકસ્ટ્રા બસો દોડાવાશે,
- એસટી નિગમને એક્સ્ટ્રા બસ દોડાવીને 50 કરોડની આવક થશે,
- રાજયભરનાં 16 એસ ટી ડિવિઝનો દ્વારા જરૂરિયાત મુજબ એકસ્ટ્રા સંચાલન હાથ ધરાશે
અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમન સાથે જ તહેવારોની મોસમ પણ શરૂ થશે. જેમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો મહત્વના છે. સૌરાષ્ટ્રમાં તો જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. શહેરોમાં રહેતા લોકો જન્માષ્ટમીના તહેવારોમાં પોતાના માદરે વતન જતા હોય છે. તેમજ રક્ષા બંધનના પર્વ પર બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધવા માટે જતી હોય છે. આથી બન્ને તહેવારો પર વધતા જતા પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે આ તહેવારોમાં ગુજરાત-સૌરાષ્ટ્રનાં લોકો વિવિધ સ્થળોએ તહેવારોની રજા માણવા ઉમટી પડશે અને ખાસ કરીને આ તહેવારોમાં એસ.ટી. અને ખાનગી બસોમાં ચિકકાર ગિર્દી જામશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસ.ટી. તંત્ર દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો અનુસંધાને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાંથી તા.8 ઓગષ્ટથી એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરાશે.
એસ.ટી. નિગમનાં સૂત્રોના કહેવા મુજબ ચાલુ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા જુદા-જુદા રૂટો ઉપર 1000થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે. જેમાં, રાજકોટથી પણ 150થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે. સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ, અમદાવાદ, દિવ, અંબાજી, ભાવનગર, જામનગર, મોરબી, અમરેલી સહિતનાં વિવિધ રૂટો ઉપર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગત વર્ષે રાજયભરમાંથી એસ.ટી. તંત્રએ 6 હજાર એકસ્ટ્રા ટ્રીપો દોડાવી હતી જેનો 3.15 લાખ મુસાફરોએ લાભ લીધો હતો અને ગત વર્ષે એકસ્ટ્રા સંચાલન થકી નિગમને રૂા.3.14 કરોડની આવક થઈ હતી. જયારે, ચાલુ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો દરમિયાન એસ.ટી. દ્વારા 6500 એકસ્ટ્રા ટ્રીપો જુદા-જુદા રૂટો ઉપર દોડાવવામાં આવશે. અને એક હજારથી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે એકસ્ટ્રા સંચાલન થકી એસ.ટી. નિગમે રૂા.3.50 કરોડની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને 3.25 લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરશે. રાજયભરનાં 16 ડિવિઝનો દ્વારા પણ તહેવારોમાં જરૂરિયાત મુજબ એકસ્ટ્રા સંચાલન હાથ ધરશે. તહેવારોનું એકસ્ટ્રા સંચાલન તા.8 ઓગષ્ટથી શરૂ થશે અને જન્માષ્ટમીનાં તહેવારો સુધી ચાલશે. દરેક ડિવિઝનનાં અધિકારીઓને સ્થાનિક કક્ષાનું એકસ્ટ્રા આયોજન તૈયાર કરી લેવા અને તહેવારોમાં જે રૂટ ઉપર વધુ રસ હોય ત્યાં વધારાની બસો પણ મુકવા સૂચના આપી દેવાઈ છે. ચાલુ વર્ષ 2025માં આગામી સમયમા આવતા રક્ષાબંધનના તથા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે 6500 જેટલી ટ્રીપો એકસ્ટ્રા સંચાલીત કરવાનું આયોજન કર્યુ છે.