- વહેલી સવારથી ખાતર વિતરણ કેન્દ્ર પર લાગતી ખેડૂતોની લાંબી લાઈનો
- ખેડૂતોની ધક્કામુકીથી અવ્યવસ્થા સર્જાતા પોલીસ કાફલો દોડી આવ્યો
- લાઈનમાં ઊભા રહીને ખેડૂતો કંટાળી ગયા
બનાસકાંઠાઃ જિલ્લામાં રવિ સીઝનના ટાણેજ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના દરેક ખાતર વિતરણ કેન્દ્રો પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સરકાર દ્વારા ખાતરનો જથ્થો સમયાંતરે ફાળવવામાં આવે છે પણ યુરિયા ખાતરની માગ વધુ હોવાથી ખેડૂતોને ખાતર મેળવવા મુશંકેલી અનુભવી રહ્યા છે. જિલ્લાના થરામાં યુરિયા ખાતર વિતરણ કેન્દ્ર પર ખેડૂતો દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારથી ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઉભેલા ખેડૂતો વચ્ચે ધક્કામુક્કી થતાં પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો દોડી ગયો હતો,
થરાના યુરિયા ખાતર વિતરણ કેન્દ્ર પર ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. આ દરમિયાન ખેડૂતોમાં ભારે ધક્કામુક્કી અને અવ્યવસ્થા સર્જાઈ હતી, જેને કારણે આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી. ત્યારબાદ મહામુશ્કેલીથી યુરિયા ખાતરનું વિતરણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખાતર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.
ખેડૂતોના કહેવા મુજબ તેમને ખાતર માટે વહેલી સવારથી રાહ જોવી પડી હતી. અને આવી પરિસ્થિતિનો તેમને વારંવાર સામનો કરવો પડે છે.


