
- લખતર અને દસાડાના 11 ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને કરી રજુઆત,
- ખેડૂતો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઘૂડસરોનો ત્રાસ સહન કરી રહ્યા છે,
- ખાસ કરીને રાત્રિ દરમિયાન ઘુડખરો ખેતરોમાં પ્રવેશી પાકને નુકસાન કરે છે
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. ત્યારે જિલ્લાના લખતર અને દસાડા તાલુકાના સીમ વિસ્તારમાં રાતના સમયે ઘૂડખરના ટોળાં ખેતીપાકને નુસાન કરતા હોવાથી ખેડૂતો પરેશાન બન્યા છે. ઘૂડસરનો ત્રાસ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ખેડૂતો સહન કરી રહ્યા છે. ત્યારે બન્ને તાલુકાના 11 ગામોના ખેડૂતોએ સુરેન્દ્રનગરમાં દુધરેજથી કલેકટર કચેરી સુધી આક્રોશ રેલી યોજી હતી.
લખતર તાલુકાના દસથી વધુ ગામોના અને દસાડા તાલુકાના ખેડૂતો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જંગલી ગધેડા (ઘુડખર)ના ત્રાસનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોએ આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક વિક્રમ રબારી, ખેડૂત આગેવાન અશોક પટેલ, નરેશ મકવાણા અને દેવરાજ રબારી સહિત લખતર તાલુકાના 10-11 ગામના ખેડૂતો જોડાયા હતા.
લખતર તાલુકાના ઘણાંદ, ડુમાણા, ગંજેળા, વણા, નાના અંકેવાળીયા સહિતના વિસ્તારોમાં ઘુડખરના ટોળેટોળા ફરી રહ્યા છે. આ ઘુડખરો ખેતરોમાં ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ઘુડખરો ખેતરોમાં પ્રવેશી પાકને નુકસાન કરે છે. ખેડૂતો દિવસે ખેતરોમાં કામ કરે છે અને રાત્રે પાકની રખેવાળી માટે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા વર્ષથી ખેડુતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બે દિવસ અગાઉ ઘણાંદ સહિત આજુબાજુના ગામના ખેડૂતોએ એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કર્યા હતા. સુરેન્દ્રનગરમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને જિલ્લા કલેકટરને આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. ખેડૂતોની માંગ છે કે ઘુડખરોના ત્રાસથી તેમના પાકને થતા નુકસાનને રોકવા માટે તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માગ કરી હતી.