રાજકોટ,18 જાન્યઆરી 2026: સૌરાષ્ટ્રના ભાદર-2 ડેમમાંથી કમાન્ડ વિસ્તારમાં રવિ સીઝન માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. કુતિયાણા અને રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સરકારમાં કરેલી સફળ રજૂઆત બાદ, શનિવારે સવારે વિધિવત રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા એને લઈને ડેમના હેઠવાસમાં આવતા ગામો અને ખેડૂતો સહિતના સૌ કોઈને મોટો ફાયદો થશે. રવિ સીઝનમાં પાકને પાણીની જરૂરિયાત ટાણે જ ભાદર ડેમ-2માંથી પાણી છોડાતા પાકને નવજીવન મળશે.
ભાદર-2 ડેમ સાઈટના સેક્શન ઓફિસરના કહેવા મુજબ સરકારની મંજૂરી મળતા ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેના પરિણામે નદીમાં અંદાજે 16.620 ક્યુસેક પાણીનો પ્રવાહ વહેતો થયો છે. આ પાણી છોડવાને પગલે ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના નદીકાંઠાના અને નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવા એલર્ટ કરાયા છે.
કૂતિયાણા અને રાણાવાવના ખેડૂતોના કહેવા મુજબ છેલ્લા 15 વર્ષથી ધારાસભ્ય કાંધલ જાડેજાના સતત પ્રયાસો અને અંગત ખર્ચ કે સરકારના સહયોગથી આ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જમીનમાં ખારાશ હોવાને કારણે બોર કે કૂવા સફળ થતા નથી અને શિયાળુ પાક લેવો મુશ્કેલ બને છે. તેવામાં ભાદર, કાલીન્દ્રી, બાટવા-ખારો અને મીણસાર જેવી નદીઓમાં આવતું આ પાણી ખેડૂતો માટે અમૃત સમાન છે. આ વર્ષે સરકાર દ્વારા નિઃશુલ્ક પાણી છોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતો પરનો આર્થિક બોજ ઘટ્યો છે અને તેઓ આ માટે સરકાર અને ધારાસભ્યનો આભાર માની રહ્યા છે. આ પાણી ઘેડ વિસ્તારના 60 થી 70 કિલોમીટર સુધીના પટમાં ફેલાશે, જેનાથી ઘઉં, ચણા અને જુવાર જેવા પાકોને જીવતદાન મળશે.
ભાદર ડેમ-2નું પાણી છોડતા અંદાજે ૩૦ જેટલા ગામોની 1000 હેક્ટરથી વધુ જમીનને આનો સીધો લાભ મળશે. ખેડૂતોના મતે, સમયસર પાણી મળવાથી તેઓ હવે એકને બદલે બે મૌસમનો પાક લઈ શકશે અને આર્થિક રીતે સદ્ધર થઈ શકશે. આમ, રવિ સીઝનની શરૂઆતમાં જ સિંચાઈના પાણીની સુવિધા મળતા સમગ્ર પંથકમાં આનંદનું વાતાવરણ છવાયું છે.


