 
                                    - ભારતીય કપાસ નિગમ (CCI)ના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવી શકાશે
- રાજ્યના 74 ખરીદ કેન્દ્રો ખાતે કપાસની ખરીદી આગામી સપ્ટેમ્બર-2025સુધી ચાલશે,
- ભારત સરકારે કપાસ માટે રૂ. 7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે
ગાંધીનગરઃ ખેડૂતોને દરેક પાકના પોષણક્ષણ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ – ભારતીય કપાસ નિગમ લી. (CCI) દ્વારા આગામી સપ્ટેમ્બર-2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ભારત સરકારે કપાસ માટે રૂ. 7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી તા. 15 માર્ચ, 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમયમર્યાદામાં અરજી કરી હશે, તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ભારતીય કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદરપુર, બાવળા, બોડેલી, ચાણસ્મા, ડભોઇ, દહેગામ, ધંધુકા, ધોળકા, હાંડોદ, હારીજ, હિંમતનગર, ઈડર, જાદર, કલેડીયા, કપડવંજ, કરજણ, કોસિન્દ્રા, કુકરમુંડા, માણસા, નસવાડી, નિઝર, પાલેજ, પાવીજેતપુર, સમલાયા, સાઠંબા, તલોદ, વડાલી, વાલિયા, વિજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, રાજકોટ ઝોનના ખેડૂતો માટે અમરેલી, બાબરા, બગસરા, રાજુલા, સાવરકુંડલા, દામનગર, ટીંબી, ખાંભા, ગારીયાધાર, મહુવા, પાલીતાણા, ઉમરાળા, તળાજા, બોટાદ, ઢસા, રાણપુર, ગઢડા, ભાણવડ, ઉના, ધ્રોલ, જામ-જોધપુર, જામનગર, કાલાવડ, માણાવદર, અંજાર, ભુજ, માંડવી, હળવદ, મોરબી, વાંકાનેર, પોરબંદર, ધોરાજી, ગોંડલ, જસદણ, જામકંડોરણા, જેતપુર, કોટડા-સાંગાણી, રાજકોટ, ઉપલેટા, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ અને લખતર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે ખેડૂતોની સમસ્યા અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર- + 91 7718955728 જાહેર કર્યો છે. ખેડૂતો આ નંબર પર મેસેજ મોકલીની સમસ્યા અથવા ફરિયાદ નોંધાવી શકે છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

