ભાવનગર, 31 માર્ચ 2026: Father and daughter die after a dumper hits their bike જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પિતા-પૂત્રીના મોત નિપજ્યા હતા. આ બનાવની કરૂણતા એ છે કે, પિતા તેની દીકરીને દવાખાનેથી સારવાર કરાવીને બાઈક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાજાવદર પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી ડમ્પરચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. સિહોર પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા બોઘાભાઈ ભાવચંદભાઈ પરમાર (ઉં.વ. 58)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા તેમના પત્ની બન્ને વડીયા ગામે વાડીએ હતાં, ત્યારે રાતના આશરે સાડા સાતેક વાગ્યા આસપાસ તેમના મોટાભાઈના દીકરાનો ફોન આવ્યો કે તેમના દીકરા સંજયભાઈ અને પૌત્રી હર્ષીતાનો ડમ્પર સાથે અકસ્માત થયો છે અને બંનેને ગંભીર હાલતમાં 108 મારફતે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોઘાભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સંજયભાઈને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે સારવાર આપવામાં આવી રહી હતી, જ્યારે હર્ષીતાબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
સંજયભાઈ બાઈક પર પોતાની દીકરીને દવાખાને લઈ ગયા હતા અને દવાખાનાથી પરત કાજાવદર પરત આવતા હતા, ત્યારે જાંબાળા અને કાજાવદર વચ્ચેના ઉંડા નાળાના વળાંક પાસે ઝડપી અને બેફામ દોડતા ડમ્પરે તેમની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં સંજયભાઈને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમને પણ મૃત જાહેર કરવામાં આવ્યા. આ બનાવ અંગે સિહોર પોલીસે ડમ્પરચાલક સામે BNS કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો 177, 184, 134 હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


