1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊનાના ગાંગડા ગામે પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું મારી દીપડાને મોતને ઘાટ ઉતાર્યો
ઊનાના ગાંગડા ગામે પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું મારી દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

ઊનાના ગાંગડા ગામે પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું મારી દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

0
Social Share

ઊના, 29 જાન્યુઆરી 2026:  ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની સંખ્યા વધતા જાય છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજુરો પર દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ઊના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો. તેથી પોતાના પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું લઈને હિંસક દીપડા સામે બાથ ભીડી દીપડાને મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ઊના તાલુકાના ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. આ સમયે અંધારાનો લાભ લઈને એક હિંસક દીપડો ત્યાં ત્રાટક્યો હતો અને સીધો બાબુભાઈ પર હુમલો કરી દીધો હતો. પિતાની ચીસાચીસ સાંભળીને તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દુલ તરત જ રૂમની બહાર દોડી આવ્યો હતો. દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલ પર જીવલેણ હુમલો કરતા સ્થિતિ ગંભીર બની હતી. પોતાના પુત્રને દીપડાના જડબામાં જોઈને પિતા બાબુભાઈએ જીવની પરવા કર્યા વગર વળતો પ્રહાર કર્યો હતો તેમણે ઘર પાસે પડેલા ભાલા અને દાતરડા જેવા હથિયારો વડે દીપડા પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ લોહિયાળ જંગમાં અંતે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

દીપડાના હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આઘેડ પિતા બાબુભાઈને ગંભીર ઇજા પહોંચતાં શરીરમાં અલગ અલગ જગ્યાએ 50થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે.

આ ઘટનાની જાણ થતાં જ જસાધાર આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગે દીપડાનો મૃતદેહ અને હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા છે. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code