
- ફાયરબ્રિગેડે 20 દર્દીઓને સ્ટ્રેચર પર બેસાડીને બહાર કાઢ્યાં
- 10 ફાયટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી
- શોર્ટ-સરકીટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
સુરતઃ શહેરના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયરબ્રિગેડ અને અન્ય લોકોએ મળી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 જેટલા દર્દીઓને સ્ટ્રેચર પર બેસાડીને બહાર કાઢ્યા હતા. 10થી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ-સરકિટને લીધે આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
સુરત ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ મિશન હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. ફાયરના લાશ્કરો પહોંચ્યા ત્યારે ધુમાડો ખૂબજ હતો જેથી આગ પર કાબૂ મેળવવામાં ખૂબ જ તકલીફ પડી હતી જો કે, ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પૂરતી ફાયર સેફ્ટી હતી કે નહીં તેની હવે તપાસ કરીશું.
આગ લાગ્યાની જાણ થતાં ડીસીપી રાકેશ બારોટ પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા. અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરીને હોસ્પિટલના સંચાલકો સાથે વાતચીત કરી અત્યારની શું સ્થિતિ છે તે અંગે પણ માહિતી મેળવી અને કેવી રીતે આગ લાગી છે તે અંગે પણ માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં આગની ઘટના બાદ મદદે આવેલા એક વ્યકિતએ કહ્યું કે, આગ શેના કારણે લાગી તેની ખબર નથી. અમે લોકોએ ઉપરથી 20 જેટલા દર્દીઓને ઉતારીને નીચે લાવ્યા હતા. મિશન હોસ્પિટલમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે અનેક દર્દીઓ એડમીટ હતા. જેઓને બેડ સહિત જ બહાર કાઢવામાં આવ્યા હતા. અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગતા જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેના સંબંધીઓમાં ભારે દોડધામ મચી હતી.