
ઢાકામાં ગાર્મેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં લાગી આગ, 16 શ્રમજીવીના મોત
ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 16 શ્રમજીવીના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ આગ એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગી હતી.
ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના અધિકારી તલ્હા બિન જસીમના જણાવ્યા મુજબ આગની શરૂઆત “શાહ આલમ કેમિકલ વેરહાઉસ”માંથી થઈ હતી, જે તરત જ બાજુની “એનારા ફેશન ગારમેન્ટ ફેક્ટરી” સુધી ફેલાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં આખી બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું. ફાયર સર્વિસના પ્રવક્તા અનવરુલ ઇસ્લામે જણાવ્યું કેઅત્યાર સુધી રેસ્ક્યૂ ટીમે ફેક્ટરીમાંથી 16 મૃતદેહો બહાર કાઢ્યા છે.
ફાયર સર્વિસના ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ તાજુલ ઇસ્લામ ચૌધરીએ જણાવ્યું કે આગનો સ્ત્રોત શક્યતઃ કેમિકલ વિસ્ફોટ હતો, જેના કારણે ઝેરી વાયુ ફેલાતા ઘણા મજૂરો બેભાન થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ફેક્ટરીમાં 6 થી 7 પ્રકારના જોખમી રાસાયણો રાખવામાં આવ્યા હતા, જેના કારણે આગ બેકાબૂ બની અને વાતાવરણ અત્યંત ઝેરી બન્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહોની સ્થિતિ એટલી ગંભીર છે કે તેમની ઓળખ સામાન્ય રીતે શક્ય નથી, બધા મૃતદેહોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ DNA પરીક્ષણ દ્વારા કરવામાં આવશે. ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે, મોટાભાગના મજૂરો બીજા અને ત્રીજા માળ વચ્ચે ફસાઈ ગયા હતા, કારણ કે છત તરફ જતો દરવાજો બે તાળાઓથી બંધ હતો.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું હતું કે, “આ ઘટના અત્યંત દુખદ છે, અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ.” યુનુસે અધિકારીઓને આગની સંપૂર્ણ તપાસનો રિપોર્ટ તૈયાર કરવાનો અને પીડિત પરિવારોને તાત્કાલિક આર્થિક તેમજ તબીબી સહાય પૂરી પાડવાની સૂચના આપી છે.