અમદાવાદના સારંગપુરમાં સુમેલ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આગ, 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું
અમદાવાદ, 25 માર્ચ 2026: શહેરના સારંગપુર વિસ્તારમાં ન્યુ ક્લોથ માર્કેટની પાછળ આવેલા સુમેલ-1 કોમ્પલેક્ષના સી બ્લોકમાં ત્રીજા માળે ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયા હતા. આખા બ્લોકના લોકો દોડીને બહાર આવી ગયા હતા. આ બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને ત્વરિત કામગીરી હાથ ધરી હતી. આગમાં ત્રીજા માળે ચાર વ્યક્તિઓ ફસાતા ફાયરબ્રિગ્રેડે દ્વારા હાઇડ્રોલિક સિડીથી રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા હતા. ફાયરની ટીમે ઈલેક્ટ્રીક સપ્લાય બંધ કરી ડકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સારંગપુર ન્યૂ ક્લોથ માર્કેટની પાછળ આવેલા સુમેલ-1માં સી બ્લોકમાં ત્રીજા માળે બિલ્ડીંગના ઇલેક્ટ્રીક ડકમાં આવેલા વાયરોમાં આગ ફેલાતા ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ધૂમાડા પ્રસર્યા હતા. ધૂમાડા બહાર સુધી જોવા મળ્યા હતા જેને પગલે વેપારીઓ બહાર દોડી આવ્યા હતા. જોકે ત્રીજા માળ પર બે વેપારી અને બે મજૂર ધૂમાડામાં ફસાઇ ગયા હતા. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને ચાર તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઉપર ફસાયેલા અમીતભાઇ મલાણી, સંદિપભાઇ હસનાણી, લાલાભાઇ અને એક અજાણ્યા વ્યક્તિને હાઇડ્રોલિક સિડીથી રેસ્ક્યુ કરીને સહી-સલામત બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ લીધો હતો. જોકે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


