
- ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 07 ફૂટ દૂર,
- તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા,
- સુરત શહેરના વિયર-કમ-કોઝવેની સપાટી પણ ભયજનક બની,
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનકની નજીક પહોંચી છે. હાલ ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સુરતનો તાપી નદી પરનો વિયર કમ કોઝ વે પણ ભયજનક સપાટી વટાવી ગયો છે.
તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ પર પહોંચી છે, જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.07 ફૂટ જ દૂર છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતા, ડેમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે. ડેમની સલામતી જાળવવા અને પાણીના યોગ્ય નિયમન માટે હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરના વિયર-કમ-કોઝવેની સપાટી પણ ભયજનક સપાટી વટાવી ગઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, તેની સામે હાલની સપાટી 8.52 મીટર પર પહોંચી ગઈ છે. કોઝવે પરથી પણ હાલમાં 1,67,549 ક્યુસેક પાણી તાપી નદીમાં આગળ વહી રહ્યું છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીના કિનારે આવેલા નજીકના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા, ઢોર-ઢાંખરને સલામત સ્થળે ખસેડવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. નાગરિકોને સલામતી જાળવવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે.