
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી, શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર નિશાન સાધ્યું છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું, “અલ્લાહે મને એક કારણસર જીવિત રાખી છે અને એક દિવસ આવશે જ્યારે આવામી લીગના નેતાઓને નિશાન બનાવનારાઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.” આવામી લીગના પ્રમુખે આ વાત ત્યારે કહી જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર તેમના પક્ષના નેતાઓના પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યા હતા.
તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહાર કર્યાં હતા અને કહ્યું કે તેઓ એવા વ્યક્તિ છે જેમણે ક્યારેય સામાન્ય લોકોને ખરેખર પ્રેમ કર્યો નથી. શેખ હસીનાએ કહ્યું, “તેમણે ગરીબોને ઊંચા વ્યાજ પર થોડી રકમ ઉછીના આપી અને તે પૈસાથી વિદેશમાં વૈભવી જીવન જીવ્યું. તે સમયે, અમે તેમની વાસ્તવિકતા સમજી શક્યા નહીં અને તેમને ઘણી મદદ પણ કરી, પરંતુ લોકોને તેનો કોઈ લાભ મળ્યો નહીં. તેમણે ફક્ત પોતાનું ભલું કર્યું. હવે તેમની સત્તાની ભૂખ બાંગ્લાદેશને નુકસાન પહોંચાડી રહી છે.”
તેમણે કહ્યું, ‘બાંગ્લાદેશ, જેને વિકાસના મોડેલ તરીકે જોવામાં આવતું હતું, તે હવે આતંકવાદી દેશ બની ગયું છે.’ તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, “જે રીતે આપણા નેતાઓ અને કાર્યકરોની હત્યા થઈ રહી છે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. આવામી લીગના લોકો, પોલીસ, વકીલો, પત્રકારો અને કલાકારો બધાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.”