
આંધ્રપ્રદેશમાં કારનો દરવાજો ઓટોલોક થઈ જતા અંદર બેઠેલા ચાર બાળકોના ગુંગળામણથી મોત
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના વિજયનગરમના દ્વારપુડી ગામમાં કારમાં ગૂંગળામણથી ચાર બાળકોના મોત થયા છે. તેમાં બે સગા ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે કાર ઓટો-લોક થઈ ગઈ હતી અને બાળકો તેને ખોલી શક્યા ન હતા. જેથી બાળકોના મોત થયાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દ્વારપુડી ગામમાં કેટલાક બાળકો ઘર પાસે રમી રહ્યાં હતા. ત્યારે ઉદય (ઉ.વ 8), ચારુમતી (ઉ.વ. 8), કરિશ્મા (ઉ.વ. 6) અને મનસ્વિની (ઉ.વ 6) નામના બાળકો એક કારમાં ચઢી ગયા અને બહાર નીકળી શક્યા ન હતા. ઘણા કલાકો પછી, બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. જ્યારે પરિવાર બાળકોને શોધતો કાર પાસે પહોંચ્યો, ત્યારે ચારેયના મૃતદેહ કારમાંથી મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ચારેય બાળકોના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ આરંભી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રાજ્યમંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસે કહ્યું કે આ અકસ્માત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતો. તેમણે ખાતરી આપી કે સરકાર આ મુદ્દો ઉઠાવશે અને અસરગ્રસ્ત પરિવારોને મદદ પૂરી પાડશે. તેમણે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે માતાપિતાએ તેમના બાળકો પર નજર રાખવી જોઈએ.