1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં વીજળીના ધાંધિયાથી પરેશાન ચાર શખસોએ MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો
વડોદરામાં વીજળીના ધાંધિયાથી પરેશાન ચાર શખસોએ MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો

વડોદરામાં વીજળીના ધાંધિયાથી પરેશાન ચાર શખસોએ MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો

0
Social Share
  • ઉશ્કેરાયેલા શખસોએ MGVCL ઓફિસના કાચ અને દરવાજા તોડ્યા,
  • વારંવાર વીજળી પુરવઠો કેમ ખોરવાય છે કહીને 4 શખસોએ ઝઘડો કર્યો,
  • પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

વડોદરાઃ  શહેરના ખોડિયારનગર સબ-ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા MGVCLના કર્મચારીઓ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે. આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

MGVCL વીજ કંપનીના લાઇન મેન ફરિયાદી મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકા (લાઇનમેન)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને સાથી કર્મચારીઓ અશ્વિનકુમાર ગોવિંદભાઈ વરીયા (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) અને જયંતીભાઈ ધુળાભાઈ માછી (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ખોડિયારનગર સબ-ડિવિઝન વિસ્તારમાં હાજર હતાં. ડેપ્યુટી ઇજનેર ચિરાગભાઈ સોનીએ ફોન કરી જણાવ્યું કે, શ્રીજી વિલા ફીડરની 11 કે.વી. વીજળી લાઇનનું કેબલ VMCની કામગીરી દરમિયાન તૂટી ગયું છે, જેને રિપેર કરવા જણાવ્યું હતું. દરમિયાન ત્રણેય કર્મચારીઓ શ્રીજી વિલા ફીડર લાઇનના કેબલની તપાસ કરતા સિધ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ પાસે કેબલ તૂટેલું જોવા મળ્યું હતું, જ્યાં તેઓ રિપેરિંગ કામે લાગી ગયા હતા. આ દરમિયાન ખોડિયારનગર સબ-ડિવિઝનના કમ્પ્લેન્ટ સેન્ટરમાં ફોન ઓપરેટર તરીકે કામ કરતા હર્ષદભાઈ પરમારે ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે, ઓફિસે ત્રણ-ચાર વ્યક્તિઓ ટુ-વ્હીલર સાથે આવ્યા છે અને “લાઇટ વારંવાર કેમ કાપો છો? આટલો સમય રિપેરિંગ કેમ નથી થયું?” કહી ઝઘડો કરી રહ્યા છે. આ વ્યક્તિઓએ છૂટા પથ્થર મારીને ઓફિસની બારીના કાચ તથા એક ભારી દરવાજો તોડી નાખ્યો છે. ત્યારબાદ સિધ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ પાસે રિપેરિંગ કામ કરતા કર્મચારીઓ પાસે બે ટુ-વ્હીલર પર આવેલા ચાર વ્યક્તિઓ – દીપકભાઈ રમણભાઈ રાણા, મહેન્દ્રસિંહ ભવરસિંહ પરમાર, રતનલાલ બંસીલાલ ખટીક અને ચંદ્રકાંતભાઈ પટેલે ગુસ્સામાં ગંદી અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. તેઓએ “હજુ સુધી લાઇટ કેમ નથી ચાલુ કરી?” કહી અશ્વિનભાઈ અને જયંતીભાઈ સાથે ઝપાઝપી કરી, જ્યારે ફરિયાદીએ વચ્ચે પાડવાનો પ્રયાસ કરતા તેમને પણ માર માર્યો હતો. આ મામલે હાલમાં બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code