1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બગદાણામાં કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
બગદાણામાં કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

બગદાણામાં કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

0
Social Share

ભાવનગર, 15 જાન્યુઆરી 2026:  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના ચાર યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. જો કે,  ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતાં. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી છે. યુવકનો આત્મવિલોપન કરવાની કોશિશ કરતો લાઇવ વીડિયો પણ વાયરલ થયો છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે 15 જાન્યુઆરીના રોજ બગદાણામાં ચાર યુવાનો એકાએક એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ યુવાનો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ​ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને પકડી લીધા હતાં. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક કોઈ ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

​ બગદાણા ધામ ગેઇટ બહાર એકઠા થઈને ચારેય યુવાનોએ “નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો” ના નારા લગાવ્યા હતા. કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણીને પગલે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ​હાલમાં બગદાણામાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ અંગે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરે જણાવ્યું કે, આજે બગદાણા મુકામે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. કેટલાક આગેવાનોની પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે ધરપકડ કરવામાં આવી તો અમુક લોકોની આગલા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે, તમે આટલી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો આ કેસમાં સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? ​

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code