સેમિકન્ડક્ટરથી સેટેલાઇટ સુધી ગુજરાતના યુવાનો ઇકોસિસ્ટમના બન્યા સર્જકઃ મોઢવાડિયા
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026: ઇન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નંબર વન સ્ટેટ બન્યા છીએ. આમ, ભારતીય યુવાનોની ક્ષમતા અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ અને Al ટેકનોલોજીમાં પ્રગતિશીલ રાજ્ય છે તેમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડીયાએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આજે ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ-FTO’ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ ઇનોવેટર્સને આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ અંતર્ગત કુલ રૂ. ૬૨.૮૪ લાખ, IP કોમર્શિયલાઇઝેશન અંતર્ગત કુલ રૂ. ૩ લાખ અને નિધિ પ્રયાસ ગ્રાન્ટ હેઠળ રૂ. ૨૧.૫૦ લાખ એમ કુલ રૂ. ૮૭.૩૪ લાખની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
ઇનક્યૂબેટર્સ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કાર્યરત યુવા માટે આજનો વર્કશોપ મિની કુંભ સમાન છે તેમ જણાવી મંત્રી મોઢવાડિયા એ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૩માં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના થઈ હતી. આ પ્રયાસોને પરિણામે ગુજરાતમાં સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇનક્યૂબેટર જેવું સેન્ટર કાર્યરત થયું છે. ગુજરાતના યુવાનો સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ નવા નવા ઇનોવેશન કરી રહ્યા છે. એક સમય હતો કે કોઈએ સ્ટાર્ટઅપ્સ વિશે સાંભળ્યું જ ન હતું. ઇન્ક્યુબેટર શું છે? તે વિશે વાત પણ થતી ન હતી. જ્યારે આજે સેટેલાઇટ બનાવવા માટે વપરાતા સેમિકન્ડક્ટરની ડિઝાઇન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને પેકેજિંગ એમ બધુ અમદાવાદ ખાતે કાર્યરત ઇસરોમાં ઇન-હાઉસ બને છે. આમ, સેટેલાઇટમાં વપરાતા સેમિકન્ડક્ટરની આખી ઇકોસિસ્ટમ પણ અહી ઉપલબ્ધ છે.
આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં પણ યુવાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આર્થિક ક્ષેત્રે ગુજરાતને ટોપ પાંચમાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં પ્રથમ ત્રણમાં સ્થાન અપાવવા યુવાઓની ભૂમિકા ખૂબ અગત્યની રહેશે.
BIRACના એમડી ડો. જિતેન્દ્ર કુમારે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં IP, EIR પ્રોગ્રામ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, બાયો પોલિસી હેઠળ બાયોફાઉન્ડ્રીઝ/હબ્સ અને RDIF થકી ૧૦ હજાર કરતા વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. જેના સ્કેલ-અપ માટે વ્યાપારીકરણ અને કેપિટલ ખૂબ જ જરૂરી છે.


