મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટ્યાને 7 મહિના બાદ માત્ર ટૂ-વ્હીલર માટે ખૂલ્લો મુકાયો
વડોદરા, 2 એપ્રિલ 2026: Gambhira Bridge opened for two-wheelers only વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ એક ભાગ 7 મહિના પહેલા તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સ્થાનિક લોકોમાં રોજગારી માટે મોટું સંકટ ઊભું થયું હતું. આજુબાજુના ગામડાના લોકો જીવના જોખમે હોડીમાં બેસીને મહીસાગર નદીને પાર કરતા હતા. હાલ સરકાર દ્વારા નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે તૂટેલા ગંભીરા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અને આજે ગંભીરા બ્રિજ માત્ર ટુ વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
પાદરા નજીક મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજના તૂટેલા ભાગને લોખંડના સ્પાન મુકીને જોડવામાં આવ્યો છે. અને ગઈકાલે બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ ટ્રેકટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા. જુના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતા આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવા આવ્યો છે. આ બ્રિજ પર ટુ વ્હીલરો ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, બ્રિજ ટુ-વ્હીલર માટે ખૂલ્લો મુકાતા સ્થાનિક લોકોને રાહત થઈ છે.
ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે.
વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે.


