ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજના અમલમાં છે. અને મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા 24 કલાક નાગરિકોને પાણી મળી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના સેક્ટર-12માં પુરા એક કલાક પણ પાણી મળતું ન હોવાની ફરિયાદ ઊઠી છે. સેક્ટર-12માં છેલ્લા કેટલાક સમયથી પાણીના વિતરણમાં થયેલા ધરખમ ફેરફારને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર શહેરમાં મ્યુનિ. તંત્ર દ્વારા ’24 કલાક પાણી’ આપવાના મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. સેકટર 12માં અગાઉ સવારે નિયમિતપણે 6 થી 8.30 સુધી અઢી કલાક મળતું પાણી હવે માત્ર એક કલાકમાં સમેટાઈ જતાં લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે. સેક્ટર-12માં વસતા મધ્યમવર્ગીય અને નોકરિયાત પરિવારો માટે સવારનો સમય સૌથી વધુ કિંમતી હોય છે. અગાઉ અઢી કલાક સુધી પૂરતા ફોર્સથી પાણી મળતું હોવાથી ઘરકામ અને ઓફિસ જવાની તૈયારીઓ સરળતાથી થઈ શકતી હતી. પરંતુ હવે માત્ર એક કલાક પાણી આવતું હોવાથી ગૃહિણીઓને રસોઈ અને અન્ય સફાઈકામમાં ભારે તકલીફ પડી રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે, ‘બપોર પછી પાણી આપવાનો કોઈ જ અર્થ રહેતો નથી કારણ કે તે સમયે મોટાભાગના લોકો ઘરની બહાર હોય છે. જો સવારે રાબેતા મુજબ બેથી અઢી કલાક પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવે, તો અમારે 24 કલાક પાણીની કોઈ જરૂર જ નથી.’અત્યારે તો સેક્ટર-12ના રહીશોની એક જ માંગ છે કે ’24 કલાક’ના તાયફા બંધ કરી, સવારના સમયે પહેલાની જેમ પૂરતા ફોર્સથી અને લાંબા સમય સુધી પાણી આપવામાં આવે જેથી તેમની રોજિંદી હાલાકી દૂર થઈ શકે.


