- હીરાના કારખાના શરૂ થયા પણ કારીગરો જ નથી,
- દિવાળીના વેકેશનમાં ગામડે ગયેલા રત્નકલાકારો હજુ પરત ફર્યા નથી,
- યુરોપના દેશોમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી
સુરતઃ હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યા છે. સુરતના હીરાના કારખાનેદારોએ દિવાળી પહેલા લાંબા વેકેશનની જાહેરાત કરતા રત્નકલાકારો પોતાના માદરે વતન ગામડાઓ ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી. બીજીબાજુ હવે લેબગ્રોન ડાયમન્ડની વિદેશમાં માગ વધતા મોટા ઓર્ડર મળવા લાગ્યા છે. તેથી હીરાના કારખાનેદારોએ કારખાના શરૂ કરી દીધા છે. પણ રત્નકલાકારો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. શહેરના ઘણા કારખાનેદારોએ રત્નકાલાકારોને પરત બોલાવવા માટે મોબાઈલ ફોન પણ કર્યા છે.
વિદેશમાં લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી સુરતના અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી હીરાના કારખાનાઓ ફરી શરૂ કરી દીધા હતા. જોકે, હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડાંમાં હોવાને કારણે કારખાનાઓમાં ઉત્પાદન શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે. લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષથી સુરતનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવી મશીનો અને ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલાં જ ઘણા એક્સપોર્ટ ઓર્ડર મળી ગયા હતા અને જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 સુધીનો એક્સપોર્ટ આ જ વૃદ્ધિને દર્શાવે છે. હાલ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ છે પરંતુ કારીગરો ન મળી રહ્યાં હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હીરાના વેપારીઓના કહેવા મુજબ યુરોપના અનેક દેશોમાં લેબગ્રોન ડાયમંડ અને જ્વેલરીની માંગ વધી રહી છે. ખાસ કરીને અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વના ઓર્ડર વધ્યા છે. સાથે સાથે સ્થાનિક માર્કેટમાં પણ લેબગ્રોન હીરા પ્રત્યે ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે. એટલે જ ઘણા વેપારીઓએ દિવાળી બાદ તરત કારખાનાં ખોલી દીધાં, પરંતુ કારીગરોની અછતને કારણે ઉત્પાદન ગતિ પકડતું નથી.
હીરાના એક કારખાનેદારના કહેવા મુજબ 30 દિવસના દિવાળી વેકેશન બાદ ગુરુવારથી કામકાજ ફરી શરૂ થયું છે, પરંતુ હજી માંડ 30 ટકા ફેક્ટરીઓમાં જ કામગીરી શરૂ થઈ છે, જ્યારે બાકીની યુનિટો આવતા અઠવાડિયે ધીમે ધીમે ચાલુ થવાની શક્યતા છે. શહેરના કતારગામ, વરાછા અને ઉધના વિસ્તારમાં આવેલી અનેક યુનિટોના માલિકોએ હજી પણ માર્કેટની માંગ અને ઓર્ડરનું મૂલ્યાંકન કરી રહ્યા છે. નેચરલ ડાયમંડમાં હજી માંગ નબળી છે, જ્યારે લેબગ્રોનના ઓર્ડર ધીમે ધીમે વધી રહ્યા છે. અમેરિકમાં હોલિડે સિઝનને લઈને થોડી ચહલપહલ શરૂ થાય તેવો આશાવાદ છે, પરંતુ મોટાપાયે ઓર્ડર મળતા નથી. કટિંગ અને પોલિશિંગ યુનિટોમાં હજી કર્મચારીઓની હાજરી 40-45 ટકા જેટલી જ છે.


