
- અંબાજી-કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માતમાં 6 લોકોને ઈજા
- થરાદ-ધાનેરા હાઈવે પર રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત
- પોલીસે બન્ને બનાવોમાં અકસ્માતનો ગુનોં દાખલ કરી તપાસ હાથ ધરી
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે અંબાજી કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા બનાવમાં થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાને પાછળથી બાઇકે ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે વર્ષના બાળકનું મોત થયું હતું. અને 7 લોકોને ઈજાઓ થઈ હતી.
અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી છે કે, અંબાજી-કોટેશ્વર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી કોટેશ્વર તરફ જતી કાર અને સામેથી આવતી જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 6 લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 6 ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોની સ્થિતિ ગંભીર છે. આ અકસ્માતની જાણ થતાં અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાને પાછળથી બાઇકે ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે વર્ષના બાળકનું મોત થયું હતું. અકસ્માતમાં રિક્ષામાં સવાર સાત લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલોને સારવાર માટે ધાનેરા અને ડીસાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ લઈ જવામાં આવ્યો હતો.