રાજસ્થાનથી યુવતીને પ્રમેજાળમાં ફસાવી 20 દિવસ ગોંધી રાખી દૂષ્કર્મ કર્યું, બેની ધરપકડ
સુરત, 4 ફેબ્રુઆરી 2026: સોશિયલ મીડિયાનું બાળકોથી લઈને યુવક-યુવતીઓમાં વધુ વળગણ જોવા મળી રહ્યુ છે. સોશિયલ મિડિયા થકી ફેસબુક કે ઈન્સ્ટ્રાગ્રામના માધ્યમથી યુવક-યુવતીઓ સંપર્કમાં આવીને ન કરવું કરી બેસતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના કોટાની યુવતી સુરતના એક યુવાનના સંપર્કમાં આવી હતી. અને માત્ર 6 દિવસના પરિચયમાં યુવતી કોટાથી જન્મદિન મનાવવા સુરત પહોંચી હતી, યુવક અને તેના મિત્રએ 21 વર્ષીય યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી લીધા બાદ નશીલા ઈન્જેક્શન આપી વારંવાર તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ બન્યો છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, પીડિત યુવતી 25મી ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન વર્માના સંપર્કમાં આવી હતી. આ ઉપરાંત અમનનો મિત્ર મહંમદ તોહીદુલ પણ આ ખેલમાં સામેલ હતો. તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ ‘રોહિત ઉર્ફે તુષાર’ હોવાની ખોટી ઓળખ આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. પહેલી જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી આરોપીઓએ સેલિબ્રેશનના બહાને તેને સુરત આવવા લલચાવી હતી. યુવતી જેવી સુરત પહોંચી કે તરત જ આરોપીઓ તેને શહેરની વિવિધ હોટલોમાં લઈ ગયા હતા. યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશાકારક ઈન્જેક્શન આપી બેભાન કરી દેવામાં આવતી હતી. બેભાન અવસ્થામાં બંને નરાધમો તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. આ દરમિયાન યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લેવાયા હતા. આરોપીઓ તેને દેહવેપારના ધંધામાં પણ ધકેલવાની પેરવીમાં હતા.
સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક અત્યાચાર વેઠ્યા બાદ, યુવતી એક દિવસ મોકો મળતા જ આરોપીઓના સકંજામાંથી ભાગી છૂટી હતી. તેણે હિંમત પ્રાથમિક રીતે કોટામાં ‘ઝીરો નંબર’થી FIR નોંધાયા બાદ કેસ સુરત ટ્રાન્સફર કરાયો હતો. રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય વર્મા અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષારની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


