
સોનાના ભાવમાં ઈતિહાસિક ઉછાળો : 10 ગ્રામ દીઠ રૂ. 1,10,047 પર પહોંચ્યો
અમદાવાદ : મંગળવારે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. સ્થાનિક વાયદા બજારમાં સોનું રૂ. 458ના ઉછાળા સાથે પહેલીવાર 10 ગ્રામ દીઠ રૂ 1,10,047ના ઈતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને અમેરિકન ડૉલરની નબળાઈને કારણે નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદા ભાવ રૂ. 458 (0.41%) વધીને રૂ. 1,10,047 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. બીજી તરફ, ઑક્ટોબર ડિલિવરીના સૌથી વધુ ટ્રેડ થતાં કોન્ટ્રાક્ટમાં રૂ. 482 (0.44%)નો ઉછાળો નોંધાયો અને દર રૂ. 1,09,000 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે ગયો છે.
રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જિગર ત્રિવેદીએ જણાવ્યું કે, ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા નબળા રોજગાર આંકડા જાહેર થતાં ફેડરલ રિઝર્વ આ વર્ષે ત્રણ વખત વ્યાજ દરમાં કાપ કરી શકે તેવી શક્યતા વધી છે. આવતી નીતિ બેઠકમાં 0.25% (25 બેઝિસ પોઈન્ટ)ની કાપની અપેક્ષા છે. વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સોનાની માંગ વધી જાય છે, કારણ કે રોકાણકારો માટે સોનું વધુ આકર્ષક વિકલ્પ બની જાય છે. અમેરિકન ડૉલર નબળો બનતાં અન્ય કરન્સીમાં સોનું ખરીદવું સસ્તુ થઈ જાય છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની માંગમાં વધારો થયો છે અને ભાવ ઈતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા છે.