 
                                    - રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે,
- રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિતિ રહેશે,
- પદવીદાનની તૈયારીઓનો યુનિ. દ્વારા પ્રારંભ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વર્ષમાં બેવાર પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે 58મો પદવીદાન સમારોહ ગઈ તા. 10મી માર્ચના રોજ યોજાયા બાદ હવે 59મો પદવીદાન સમારોહ આગામી તા.29મી ડિસેમ્બરે યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે અને સાથે જ અન્ય વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામા આવશે. તેમની સાથે રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવતા વિદ્યાર્થીઓ અને ડિગ્રી એનાયત થવાની છે તે વિદ્યાર્થીઓની સંખ્યા હવે જાહેર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા. 29મી ડિસેમ્બરના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે. પદવીદાન સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિનો 58મો પદવીદાન સમારોહ ગઈ તા, 10મી રોજ યોજાયો હતો. જેમાં રાજ્યપાલના હસ્તે 141 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ 43,959 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43,959 દિક્ષાર્થીઓને પદવીઓ, 141 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવી હતી. 58મા પદવીદાન સમારોહમાં 14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીને 141 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં દાતાઓ તરફથી 65 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 76 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી 110 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 124 પ્રાઈઝ મળીને 234 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર 122 દિક્ષાર્થીમાં 44 વિદ્યાર્થી હતા અને 97 વિદ્યાર્થિની હતા. એટલે કે, ગત વખતે ગોલ્ડ મેડલ મેળવવામાં ભાઈઓ કરતા બહેનો આગળ હતા. જેમાં પણ સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ 2 વિદ્યાર્થિની હતા. જેમાં ગોલ્ડ મેડલની કિંમત રૂ. 8,000 તો રોકડ પુરસ્કાર રૂ. 1,500નો આપવામાં આવ્યો હતો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

