
GST કાઉન્સિલે 12% અને 28% ના દરોને નાબૂદ કરીને વર્તમાન ચાર સ્લેબને ઘટાડીને ત્રણ કર્યા
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠક તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં સામાન્ય માણસ, શ્રમ-સઘન ઉદ્યોગો, ખેડૂતો અને આરોગ્ય ક્ષેત્રને રાહત આપવા માટે GST દરોમાં મોટા ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.
- GST સ્લેબમાં ઘટાડો અને નવા દરો
GST કાઉન્સિલે 12% અને 28% ના દરોને નાબૂદ કરીને વર્તમાન ચાર સ્લેબને ઘટાડીને ત્રણ કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પરનો GST દર 18% અને 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
- મુખ્ય ફેરફારોની વિગતો
દવાઓ: દવાઓ પરનો GST દર 12% થી ઘટાડીને શૂન્ય ટકા કરવામાં આવ્યો છે.
વીમા પોલિસી: વ્યક્તિગત જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસીઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઘરગથ્થુ વસ્તુઓ: ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ પર હવે માત્ર 5% GST લાગશે.
ઈલેક્ટ્રોનિક્સ અને વાહનો: ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને વાહનો પરનો GST દર 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.
આ નવા GST દરો આગામી 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જેનાથી નાગરિકોને સીધો ફાયદો થશે અને અર્થતંત્રને વેગ મળશે તેવી અપેક્ષા છે.