
દેશમાં GST 2.0 અમલમાં, રોજબરોજની ચીજવસ્તુઓ સસ્તી થઈ
નવી દિલ્હીઃ નવરાત્રીના પ્રથમ દિવસે જ દેશમાં GST 2.0 લાગુ થઈ ગયું છે. સરકારે આ પગલું લઈને સામાન્ય જનતા માટે મોટી રાહત આપી છે. હવે દૂધ, બ્રેડ, પનીર, માખણ, આટા, દાળ, તેલ, સાબુ, શેમ્પૂ તેમજ બાળકોના અભ્યાસના સામાન જેવી રોજબરોજની ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે કે શૂન્ય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને “બચત ઉત્સવ” ગણાવીને જણાવ્યું કે, આ પગલાથી ગરીબ અને મધ્યવર્ગ બંનેના પૈસા બચશે.
- ડેરી ઉત્પાદનોમાં રાહત
UHT દૂધ : 5% GSTમાંથી મુક્ત, 1 લિટર પેક હવે રૂ. 77ના બદલે રૂ. 75માં.
પનીર : 12% GST રદ, 200 ગ્રામ પનીર હવે રૂ. 90ના બદલે રૂ. 80માં.
માખણ : 500 ગ્રામ પેક રૂ. 305થી ઘટીને રૂ. 285માં.
ઘી : 12%થી ઘટાડી 5% ટેક્સ, અમૂલનું 1 લિટર ઘી હવે રૂ. 650ના બદલે રૂ. 610માં.
- ખાદ્યપદાર્થો અને નાસ્તામાં ઘટાડો
બ્રેડ અને પિઝા : 5% GSTમાંથી મુક્ત, બ્રેડનો પેક હવે રૂ. 20ના બદલે રૂ. 19માં.
પાસ્તા, નૂડલ્સ, કોર્ન ફ્લેક્સ : 12-18%માંથી ઘટાડી 5% GST.
બિસ્કીટ અને નમકીન : 12-18%માંથી ઘટીને માત્ર 5%.
- ટોયલેટ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ
તેલ, શેમ્પૂ, સાબુ : 18%થી ઘટાડી 5% GST. હવે રૂ. 100નું શેમ્પૂ પેક રૂ. 118ના બદલે રૂ. 105માં મળશે।
- મીઠાઈ અને ચોકલેટ
ચોકલેટ : રૂ. 50ની ચોકલેટ હવે રૂ. 44માં.
લાડુ : પ્રતિ કિલો રૂ. 400ની લાડુ પર ટેક્સ રૂ. 72માંથી ઘટીને ફક્ત રૂ. 20.
- બાળકોના અભ્યાસના સામાન
નોટબુક, પેન્સિલ, રબર, ગ્લોબ, પ્રેક્ટિસ બુક, ગ્રાફ બુક અને લેબોરેટરી નોટબુકને GST ફ્રી કરવામાં આવી છે.
સરકારના જણાવ્યા મુજબ આ સુધારાથી હવે લગભગ 99% રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. તહેવારોની સિઝન પહેલાં સામાન્ય જનતાના ખિસ્સા પરનો ભાર ઘટાડીને લોકોને બચત કરવાનો મોકો આપવાનો મુખ્ય હેતુ છે.