
ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું, પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અગે નિર્ણયની શક્યતા
- કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ જગ્યા ખાલી પડી છે,
- રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક,
- ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર પણ દિલ્હી પહોંચ્યા
અમદાવાદઃ રાજ્યમાં વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને પરાજ્ય મળતા કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યુ હતું. ત્યારે નવા પ્રમુખનો તાજ કોને પહેરાવાશે તે અંગે છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી છે, દરમિયાન દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના નેતાઓને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે.રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળી છે. આજે પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને વિપક્ષના નેતા સાથે બેઠકમાં પ્રદેશના નવા પ્રમુખ અંગે અભિપ્રાય લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે સોશિયલ મીડિયામાં આજે સવારથી લાલજી દેસાઈનું નામ ચાલી રહ્યું છે.
દિલ્હી ખાતેની બેઠકમાં હાજરી આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ,પૂર્વ વિપક્ષ નેતાઓ સહિતના આગેવાનો પહોંચ્યા છે. આ બેઠકમાં ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર પણ બેઠકમાં હાજરી આપવા માટે દિલ્લી રવાના થયા છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ નવા અધ્યક્ષની પસંદગી માટે મહત્વની ચર્ચા થશે. દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે. જેમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર વગેરે ઉપસ્થિતિ રહેશે. ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી એ મુદ્દે આજે ખડગે અને રાહુલ ગાંધીના સમક્ષ ચર્ચા થશે.
મહત્વનું છે કે અગાઉ પાટીદાર અને ઓબીસી સમાજના નેતાઓ પોતાના સમાજને પ્રદેશ અધ્યક્ષપદ આપવા માટે દિલ્લીમાં સક્રિય રહ્યા છે. જોકે આજની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામ પર મોટો નિર્ણય થઈ શકે છે.