
- વિપક્ષ દ્વારા આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ,
- લિંક પ્રોજેક્ટનો કોઇપણ નવોDPR (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ) રજૂ કરાયો નથી,
- પાર–તાપી–નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ–2017માં બનેલાDPR બાદ નવો કોઇપણ DPR બન્યો નથી
ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલા નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે. તેમણે આ યોજના સંદર્ભેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – 2017માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ DPR સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નહીં.
તાજેતરમાં રાજ્યસભામાં 10 ફેબ્રુઆરી 2025 અને 27 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેના DPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રોજેક્ટનો DPR ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે.
રાજ્યસભામાં જે DPRનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ વર્ષ-2017નો જ છે અને વર્ષ 2017 પછી કોઇપણ નવો DPR જાહેર કરાયો નથી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ 10મી ઑગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઇ ઉદ્દેશ્ય નથી.
ગુજરાત સરકારે પણ કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટને આગળ ન વધારીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2022માં આ પ્રોજેક્ટને સ્થગિત કરવાના નિર્ણય પર આજે પણ સરકાર અડગ છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, વિપક્ષે આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને પોતાના રાજકીય હિત માટે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા જોઇએ નહી. ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.