1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં RTIના કેસોનો ઝડપી ઉકેલ લાવી દેશમાં અગ્રીમ હરોળનું સ્થાન બનાવ્યુઃ હર્ષ સંઘવી
ગુજરાતમાં RTIના કેસોનો ઝડપી ઉકેલ લાવી દેશમાં અગ્રીમ હરોળનું સ્થાન બનાવ્યુઃ હર્ષ સંઘવી

ગુજરાતમાં RTIના કેસોનો ઝડપી ઉકેલ લાવી દેશમાં અગ્રીમ હરોળનું સ્થાન બનાવ્યુઃ હર્ષ સંઘવી

0
Social Share
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઊજવણીનો પ્રારંભ,
  • અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ,
  • માહિતી આયોગની ટીમેRTIના ક્ષેત્રમાં અનેક એવા નિર્ણયો લીધા છે.

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.5 થી 12 ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. NFSU કેમ્પસ- ગાંધીનગર ખાતે આયોજિત આ ઉજવણીમાં રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની ઉપસ્થિત રહ્યા હતાં.

ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ એ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. માહિતી આયોગની ટીમે RTIના ક્ષેત્રમાં રાજ્યના નાગરિકોનાં હિતમાં અનેક એવા નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે ગુજરાત RTIના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં અગ્રીમ હરોળનુ  રાજ્ય બન્યું છે.

વધુમાં  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સ્વ.  અટલ બિહારી બાજપેયીના સમયમાં નાગરિકોને સાચી માહિતી મળી રહે તે માટે, આ RTI Act -2005  બનાવવામાં આવ્યો હતો. કાયદો જ્યારે બને છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા અને કેટલાક નાગરિકો તેને આવકનો સાધન બનાવવાનો પ્રયત્નો કરતા હોય છે.  500-1000  કિ.મી દૂરથી કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ કરતા આર.ટી.આઈ એક્ટવિસ્ટો  ઉદ્યોગકારોને RTIના નામે હેરાન કરતા હોય છે. આ પ્રકારની ટોળકીઓનુ દેશમાં એક નેટવર્ક છે. આ નેટવર્કને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર બધા વિભાગો સાથે સંકલનમાં રહીને અગ્રેસર કામગીરી કરી રહી છે.

સુરત જિલ્લામાં ફફ્ત એક જ વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સો સામે 85થી વધારે કેસો કરીને 105 લોકોની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે. અમદાવાદ શહેરમાં 12 જેટલા કેસો માત્ર 15 દિવસમાં કરવામાં આવ્યા હતા. આ ગુનેગારોને જેલ ભેગા કરવા ઉપરાંત પાસા હેઠળ પણ ગુનો નોંધી સજા આપવાનું કામ સૌ પ્રથમ કાર્ય ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. આ કાયદો લોકોના હિતમાં બનવવામાં આવેલો કાયદો છે કોઈ આર.ટી.આઈ એજન્ટોના હિતમાં બનાવવામાં આવેલો  કાયદો નથી તેમ  સંઘવીએ કહ્યું હતું.

વધુમાં  સંઘવીએ ઉમેર્યું હતું કે, ગુજરાત એવું પહેલું રાજ્ય હશે જ્યાં વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સોની યાદી બનાવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. RTIના નામનો ઉપયોગ કરીને આવા એજન્ટોને પ્રતિબંધિત કરવાનું કામ ગુજરાત માહિતી આયોગે કર્યું છે આ ઉત્તમ કામગીરી કરવા બદલ હું ગુજરાત માહિતી આયોગની ટીમને અભિનંદન પાઠવું છું.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોનીએ જણાવ્યું હતું કે, આર.ટી.આઈ સપ્તાહ અંતર્ગત આજે દેશ – દુનિયામાં કેટલાક નાગરિકો ગુજરાત માહિતી આયોગની સોશિયલ મીડિયા ચેનલોથી જોડાઈને આર.ટી.આઈ કાયદાની સમજણ લઇ રહ્યા છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજી મળવાથી તેના નિકાલની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. નાગરિકોને તેમના કેસની  સુનાવણીની જાણ ઈમેલ અને ફોન કરીને કરવામાં આવે છે. આ પ્રકારની પારદર્શક કામગીરીથી દેશના અન્ય માહિતી આયોગ ગુજરાત પાસેથી પ્રેરણા લઇ રહ્યા છે.

ગુજરાત માહિતી આયોગની વેબસાઇટને નવીનીકરણ કરીને વધુ પ્રજાલક્ષી બનાવવા આવ્યું છે. આ વેબસાઈટ પર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદા, અધિનિયમ તેમજ રાજ્ય સરકારની સૂચનાઓ મુકવામાં આવે છે. નાગરિકોને RTIને લગતી માહિતી મળી રહે તે પ્રકારની માહિતી વેબસાઈટ પર મુકવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે  છેલ્લા એક વર્ષમાં 2 લાખથી વધુ નાગરિકો વેબસાઇટની મુલાકાત લઈને RTI વિશે માહિતગાર થયા છે તેમ  સોનીએ જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code